દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજનૈતિક દળોમાં ચૂંટણઈ પ્રચારની ગતિવિધિઓ તેજ થતી જઈ રહી છે. મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર હુમલો બોલ્યો. તેમણે આરોપ લગાવ્યો કે, દિલ્હીમાં ચૂંટણી પ્રચાર માટે બાહરી લોકોને બોલાવી ભાજપે દિલ્હીવાળાઓનું અપમાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 70 વિધાનસભા સીટ પર 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થશે. દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. એવામાં બંને પાર્ટીઓમાં જમીની જંગ પહેલા જુબાની જંગ પણ જોવા મળી શકે છે. મંગળવારે એક રેલીમાં અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મને હરાવવા માટે ભાજપ 200 નેતાઓની ફોજ લાવી રહ્યું છે.
મંગળવારે આપના ઉમેદવાર સુરેન્દ્ર કુમાર માટે ચૂંટણી પ્રચાર કરતા ગોકલપુરી મતદાન ક્ષેત્ર પહોંચેલા કેજરીવાલે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીએ તેમને હરાવવા માટે 200 સાંસદો, 70 મંત્રીઓ અને 11 મુખ્યમંત્રીઓને બહારથી બોલાવ્યા છે.’ તેમણે આગળ કહ્યું, દિલ્હીના લોકોએ તેમનું સમર્થન નથી કર્યું માટે હવે ભાજપ બાહરી લોકોને લાવી રહી છે. પોતાના ભાષણમાં સીએમે આગળ કહ્યું કે તેઓ તમારા દીકરા કેજરીવાલને હરાવવા આવી રહ્યા છે, તે આપણું અપમાન કરવા આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ આવશે તમને કહેશે કે દિલ્હીની સ્કૂલની સ્થિતિ ખરાબ છે, તમારા મોહલ્લા ક્લીનિકોની હાલ ખરાબ છે. શું તમે ચૂપ રહેશો? કેજરીવાલના આ સવાલનો જવાબ ગોકલપુરીની જનતાએ ‘નહીં’માં આપ્યો.