ગુજરાતના પશુપાલન મંત્રી બચુ ખાબડે 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે ભાગંરો વાટ્યો હતો. પંચમહાલના શહેરામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ સંબોધન કરતાં બચુ ખાબડે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહે 7 દાયકાઓથી દેશમાં સળગતો કાશ્મીરનો મુદ્દો કલમ 170 રદ્દ કરી પૂરો કર્યો છે. જ્યારે પત્રકારોને સંબોધન કરતાં તેઓએ જણાવ્યું કે ગૃહમંત્રી નીતિન પટેલને અભિનંદન આપું છું.
ભાષણમાં 370ના બદલે 170 કલમ બોલ્યા
કાશ્મીરમાં હાલમાં જ નાબૂદ થયેલી 370ની કલમ વિશે ચર્ચા કરવા જતાં તેમણે 370ને બદલે 170 કલમનો ઉલ્લેખ કર્યો હતો. બચુ ખાબડ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે આવી ભૂલ કરતાં લોકો હસવાં માંડ્યા હતા. અને રમૂજનો માહોલ બની ગયો હતો.
નીતિન પટેલને કેન્દ્રીય ગૃહમંત્રી ગણાવ્યા
પત્રકારો સાથે વાતચીત કરતાં બચુ ખાબડે કહ્યું કે ગુજરાતના પનોતા સપુતો નરેન્દ્ર મોદી અને નીતિન પટેલના કુશળ પ્રયત્નોથી ભારત વિકાસ કરી રહ્યું છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહને બદલે નીતિન પટેલનું નામ લઈ બીજી વખત ભાંગરો વાટ્યો હતો.