ઉત્તર પ્રદેશમાં માનવતાને નેવે મૂકી દેતી એક ઘટના સામે આવી છે, જ્યાં એક બાપને પોતાના દીકરાને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે એક સ્ટ્રેચર કે વ્હીલ ચેર પણ નહોતું મળ્યું, જેને લીધે પિતાએ પોતાના ખભા પર લાદીને પુત્રને એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર સુધી દોડવું પડ્યું હતું અને એક્સ-રે કાઉન્ટર પર તો તે હાંફીને પડી ગયા હતા.
રાવતપુર નિવાસી સુરેન્દ્ર સિંહ પોતાના 28 વર્ષીય દીકરા વિકીને ઓર્થોપેડિક સર્જરીમાં તપાસ માટે લાવ્યા હતા. વિકીના બંને પગની નસોમાં ગંભીર તકલીફ હોવાને કારણે તે ઉભો પણ નહોતો રહી શકતો. ઇ-રિક્શાથી જેમ-તેમ તેના પિતા તેને હોસ્પિટલ લાવ્યા હતા. OPDમા એક્સ-રે કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, જે રૂમ ત્યાંથી ખૂબ દૂર હતો. સુરેન્દ્રએ કહ્યું હતું કે, OPDમા સ્ટ્રેચર કે વ્હીલ ચેર માગ્યું તો કહેવામાં આવ્યું કે ઇમરજન્સી વોર્ડમાં મળી જશે.
ઇમરજન્સી વોર્ડ પહોંચ્યા તો વોર્ડ બોયે સ્ટ્રેચર ઉપલબ્ધ કરાવવાના અવેજમાં 200 રૂપિયા જામીન રકમ માગી. જો કે જામીન રકમ લેવાનો કોઇ નિયમ હોસ્પિટલમાં નહોતો. પિતા પાસે કદાચ પૈસા નહોતા એટલે તેઓ દીકરાને પીઠ પર લાદીને એક્સ-રે રૂમ પહોંચ્યા, જ્યાં સુધી પહોંચીને પિતા હાંફવા લાગ્યા હતા. એક્સ-રે રૂમની અંદર લઇ જવા માટે મેટર્ન કાર્યાલયમાં સ્ટ્રેચર લેવા ગયા તો મેટર્ને 200 રૂપિયા જમા કરવા અથવા મોબાઇલ જામીન તરીકે રાખવાની વાત કરી. પછી એક મહિલાએ મદદ કરી હતી અને દીકરા માટે તેમણે સ્ટ્રેચરની વ્યવસ્થા કરી હતી. પણ ત્યાંથી પાછા તેઓ પોતાના દીકરાને પીઠ પર ઊંચકીને OPD ગયા હતા.