નાના ગરીબ લોકોને તંત્ર દ્વારા જોહુકમી દ્વારા દુર કરવાનું કૃત્ય શરમજનક : આ અનુચિત પરિસ્થિતિને નિવારવા તાકીદે યોગ્ય કરવા મ્યુનિ.કમિશ્નરને પત્ર લખી માંગણી કરી
AMC વિરોધ પક્ષનાં નેતા શહેઝાદ ખાન પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષનાં નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જમાલપુર બ્રિજની નીચે છેલ્લા ૨૫ વર્ષથી પાથરણાં પર સ્વરોજગારી મેળવતાં લોકોને કોઇ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યાં વગર પાથરણાં તેમજ છૂટક ફેરી કરવા વાળાને ધંધો નહી કરવા દઈને જે રીતે રંજાડવાનું ચાલી રહ્યું છે તે ખૂબ જ શરમજનક બાબત છે. એક તરફ બેકારી અને બેરોજગારીએ માઝા મૂકી છે ત્યારે ધંધા- રોજગાર જે લોકો સેલ્ફમેઈડ રીતે કરી રહ્યા છે તેઓને યોગ્ય નીતીઓ દ્વારા પ્રોત્સાહન આપવું જોઈએ તેવું કોંગ્રેસનું માનવું છે.સમગ્ર શહેરમાં બિલાડીના ટોપની જેમ શોપિંગ મોલ ફૂટી નીકળ્યા છે ત્યારે તેની સીધી અસર નાના-મોટા ધંધાર્થીઓ અને પાથરણાવાળા – છૂટકફેરી કરતા ફેરીયાઓ પર વધુ માત્રામાં જોવા મળી રહી છે.આ શોપિંગ મોલ કલ્ચરની પરિસ્થિતિમાં રોજીરોટીનો પ્રશ્ન હોવાથી, છેલ્લા ૨૫ વર્ષથી જમાલપુર બ્રિજની નીચે જે ફેરીયાઓ (પાથરણાંવાળાઓ કે છૂટક ફેરી કરતા હોય તેવા તમામ ફેરીયાઓ) પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા સમગ્ર નાના-મોટા ધંધાર્થીઓને રોજીરોટી વગરના કરી દેવાનું તથા તેઓને નષ્ટ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યુ છે તેનો સીધો લાભ શોપિંગ મોલવાળા – માલેતુજારોને થઈ રહ્યો છે. જયારે બીજી બાજુ નાના ધંધા રોજગારવાળાઓને બેકારીના ખપ્પરમાં ધકેલવામાં આવી રહ્યા છે.એક બાજુ શહેરમાં ચાર પાંચ માળની ગેરકાયદેસર ઇમારતો બની જાય છે તે તરફ તંત્ર આંખ આડા કાન કરે છે જેને કારણે પાર્કિંગ તથા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે બીજી બાજુ નાના ગરીબ લોકોને તંત્ર દ્વારા જોહુકમી દ્વારા દુર કરવાનું કૃત્ય શરમજનક બાબત છે જો નાના નાના ધંધાર્થીઓ બેકાર થશે તો શહેરમાં ચોરી, લૂંટફાટ તથા અન્ય ગુનાહીત પ્રવૃતિઓમાં વધારો થશે.હાલના સમયમાં જો મ્યુ. કોર્પોરેશન તેમજ રાજય સરકાર તેઓને રોજીરોટી આપી શકતી ન હોય તો છીનવવાનો કોઈ જ અધિકાર નથી. ગરીબ તથા મધ્યમવર્ગના પ્રજાજનો જે રાત-દિવસ કાળી મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતાં હોય છે તેમના રોજગારીના સ્થળેથી રાતો રાત દુર કરી અને તેઓ બેકાર બની જાય આ એક સાથી મોટી કરૂણતા ગણી શકાય. આ આઘાતથી ઘણાની માનસિક સ્થિતી અસ્થિર થઇ જાય તેવી પરિસ્થિતીનું નિર્માણ પણ થવા પામે છે. આવી પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે જાહેર પ્રજાહિતમાં માનવીય અભિગમ રાખીને કાર્યવાહી કરવી જોઇએ.આ બાબતે માનવીય અભિગમ અપનાવી શહેરના નાના પાથરાણાંવાળા ધંધાર્થીઓ બેકાર ન થાય તથા જેઓ વર્ષોથી જે જ્ગ્યાએ વેપાર-ધંધા કરી રોજગારી મેળવે છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યાં વગર તંત્ર દ્વારા હેરાનગતિ પહોંચાડવામાં ન આવે તેવી કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે. આ અનુચિત પરિસ્થિતિને નિવારવા આ બાબતે તાકીદે યોગ્ય કરવા મ્યુનિ.કમિશ્નરને પત્ર લખી માંગણી કરેલ છે.