અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષનાં નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોની બજેટ રીવ્યુ કમિટીની બેઠક તા.૩૧-૧૨-૨૨ના રોજ મળનાર છે ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે બજેટમાં ફુલગુલાબી આંકડાઓ રજુ કરીને પ્રજાજનોને ગેરમાર્ગે દોરવાનો શાસકપક્ષે નવો ચીલો ચીતર્યો છે. દર વર્ષે શાસકપક્ષ બજેટ રજુ કરીને મોટા-મોટા આંકડા મુકે છે પણ ખરેખર તે વાસ્તવિક છે ખરાં ? તે વિચારણા માંગી લે તેવો પ્રશ્ન છે પણ આ ખોટા ફુલગુલાબી આંકડાઓનો ખેલ કરવામાં શાસકો પ્રજાને પાછળ મુકી દીધી છે જેની વિપરિત અસર એવી આવી છે કે, દર વર્ષે શાસકો દ્વારા બજેટ રજુ કરવામાં આવે છે ત્યારબાદ વર્ષાંતે તે બજેટ રીવાઇઝડ કરવામાં આવે છે જેથી કુલ બજેટના ૩૦ ટકા રકમ તે ખર્ચ કરી શકી નથી. વર્ષ દરમ્યાન કરવાના કામોનું અને નિતિઓનું નક્કર આયોજન હોવું જોઇએ પરંતુ નક્કર અને વાસ્તવદર્શી અમલ કરવા તંત્ર બંધાયેલું છે તે કરવામાં ઢીલ થતી હોય કે ઉદાસીનતા સેવવામાં આવતી હોય ત્યારે તંત્રનું ધ્યાન દોરવાની અને જરૂર પડે આદેશ આપી અમલ કરાવવાની શાસક પક્ષના સત્તાધીશોની ફરજ થઇ પડે છે.આવક વધારવાના નામે માત્ર કોરી કલ્પના કરવામાં આવે છે. જેને કારણે વધુ આવક મેળવવા માત્ર ટેક્ષમાં વધારો કે વિવિધ સેવાના દરમાં વધારો જેવા ટુંકી દૃષ્ટિવાળા નિર્ણયો લેવાય છે જેનો ભોગ પ્રજા બને છે સને ૨૦૦૬-૦૭ થી સને ૨૦૨૧-૨૨ સુધીના કુલ રૂા.૭૬૭૩૧.૦૫ કરોડના બજેટ દર વર્ષે સમયાંતરે રીવાઇઝડ કરતાં રૂા.૬૦૮૫૯.૭૮ કરોડનું કરી દેવામાં આવેલ ત્યારબાદ પણ બજેટમાં રૂા. ૫૫૨૨૫.૫૯ કરોડ જ વાપરી શકાયેલ જેથી ભાજપના શાસકો મુળ બજેટની રકમ પૈકી કુલ રૂા.૨૧૭૦૮.૦૦ કરોડ વાપરી જ શક્યા નથી જે મુળ બજેટની રકમ કરતાં ૩૦% ઓછી ૨કમ છે.
છેલ્લા ૧૫ વર્ષમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષ દ્વારા રજુ કરાયેલા બજેટમાં મોટી મોટી જાહેરાતો કરી છે પણ તેની અમલવારી કરી શકાઇ નથી જે સત્તાધારીપક્ષના વહીવટની નિષ્ફળતાઓ દર્શાવે છે. સત્તાધારી પક્ષે પહેલા શહેરીજનોને અમદાવાદ શહેરને શાધાંઇ બનાવવા, થર્ડ ફાસ્ટેસ્ટ સીટી ઇન ધ વર્લ્ડ,ગ્રીન સીટી- કલીન સીટી, લવેબલ અને લીવેબલ સીટી, ડસ્ટ ફ્રી સીટી, ઝીરો વેસ્ટ સીટી, સ્માર્ટ સીટી, સ્વચ્છ અને સ્વસ્થ સીટી જેવા ભારેખમ વચનો આપ્યા હતા. શાસકપક્ષ શહેરીજનોને આપેલા મોટા ભાગના વચનો પાળી શકાયા નથી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપના બનાવટી પુરવાર થયા છે કરકસરની વાતો પોકળ નીવડી છે નાગરિકોને સગવડ આપવાને બદલે અગવડમાં વધારો થતો જાય છે. દરેક ક્ષેત્રમાં નિરાશા, હાડમારી અને ગેરવ્યવસ્થાથી લોકો ત્રાહીમામ થઇ ગયાં છે અને શહેરનું ભાવી જોખમાય તેવી ભીતી સેવાઇ રહી છે. માટે અમદાવાદ શહેરનું ભાવી જોખમાય નહી જેથી બજેટમાં માત્ર પોકળ વચનો કે જુઠા વાયદાઓ નહી પણ પ્રજાને આગામી વર્ષમાં કઇ કઇ સુવિધા કેવી રીતે આપી શકાશે તેની નક્કર વિચારણા કરી વાસ્તવદર્શી બજેટ બનાવવા કૉંગ્રેસની માંગણી છે.