નજરે જાેનારે કહ્યું- હું લઘુશંકા કરવા જઈ રહ્યો હતો અને મે મારી સામે જ જાેયો, દીપડાનું પગેરૂ શોધવા વનવિભાગે જંગલ ખુંદી નાખ્યું
ગાંધીનગરના રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સથી સરિતા ઉધાન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે દીપડાએ દેખા દીધી હતી. સલામતી શાખાના કમાન્ડોએ દીપડાને નજરે જાેયો હતો. જેથી આ ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે અત્રેના વિસ્તારમાં તપાસ કર્યા પછી આજ સવારથી જ દીપડાની સઘળ મેળવવા વનવિભાગે જંગલ ખુંદી નાખ્યું હતું. ગાંધીનગરના રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ અને સરિતા ઉધાન વચ્ચે ગઈકાલે દીપડાએ દેખા દીધી હોવાના મેસેજ મળતાં જ વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. અત્રેના ગાઢ જંગલ વિસ્તારમાં દીપડાએ લટાર મારતાં વન તંત્ર દ્વારા ગઈકાલ રાતથી જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જાે કે, રાત્રિ દરમિયાન દીપડાના કોઈ સઘળ મળ્યા ન હતા.પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સલામતી શાખાના પીએસઓ ભગીરથસિંહ ઝાલા નિત્યક્રમ મુજબની નોકરી પૂર્ણ કરીને એન્ટ્રી ગેટથી રાત્રીના આઠ વાગ્યાના અરસામાં ઘરે જવા માટે નીકળ્યા હતા. તે વખતે રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ અને સરિતા ઉધાન વચ્ચે દીપડો સાબરમતી નદીના તટ વિસ્તારમાં જતાં જાેયો હતો. સરિતા ઉધાન વિસ્તારમાં દીપડાને નજરે જાેનાર સલામતી શાખાના કમાન્ડો ભગીરથસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજભવન એન્ટ્રી ગેટ ખાતે મારી ડયુટી છે. ગઈકાલે નોકરી પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે સર્કિટ હાઉસ પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. જેથી હું થોડી વખત ત્યાં ઊભો રહી ગયો હતો. બાદમાં ઘરે જવા રવાના થયો હતો. ત્યારે મને પથરીની તકલીફ હોવાથી હું લઘુશંકા કરવા જઈ રહ્યો હતો. સંસ્કૃતિ કુંજનાં ગેટથી નજીક બાઈક પાર્ક કર્યું હતું અને લઘુશંકા કરવા ઊભો એ દરમિયાન મેં દિપડો જાેયો હતો. આ અંગે સરિતા ઉધાન તેમજ મારી ફરજના સ્થળે પણ જાણ કરી હતી.બીજી તરફ રાજભવનથી સરિતા ઉધાન વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા રાત્રે જ અત્રેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. કલાકો સુધી સર્ચ ઓપરેશન કર્યા પછી દીપડાના સઘળ મળ્યા ન હતા. જેનાં પગલે આજે સવારથી જ વન તંત્રની ટીમ દ્વારા પુનઃ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.આ અંગે વન વિભાગના એસીએફ ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાતે દીપડો દેખાયાના મેસેજ મળતાં જ ટીમ દ્વારા રાજભવન થી સરિતા ઉધાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ દીપડાના કોઈ નિશાન મળ્યાં ન હતા. જેનાં પગલે આજે સવારથી જ ટીમ દ્વારા ફરીવાર સરિતા ઉધાન થી માંડીને સાબરમતી તટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. હાલમાં એક ટીમ દ્વારા સર્ચ ચાલી રહ્યું છે. જરૂર જણાશે તો વધુ ટીમોને પણ અત્રેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવા માટે કામે લગાડી દેવામાં આવશે.