અદાણીની શેલ કંપનીઓમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કોનું છે ?
રાહુલ ગાંધી સામે ખોટો ઉપજાવી કાઢેલો કેસ છે : ડો.અમિત નાયક
અમદાવાદ
રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી સફળતા પૂર્વક ૪૦૦૦ કિમી ‘ભારત જોડો’ યાત્રા યોજી હતી. શેલ કંપનીના ૨૦૦૦૦ કરોડ કોના તેવો પ્રશ્ન કરતા રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે અદાણીની શેલ કંપનીઓ છે જેમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું કોઈએ રોકાણ કર્યું છે. આ નાણાં અદાણીના નથી, અદાણીનો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ધંધો છે, પૈસા બીજા કોઈના છે. સવાલ એ છે કે, આ જે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા છે તે કોના છે? અને આટલી મોટી રકમ કોણ રોકાણ કરી રહ્યું છે? રાહુલે કોલારના ભાષણમાં જનહિત વિશે, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી સહીતના વિષયો પર વાત કરી હતી. જેમાં કોઈપણ વ્યક્તિ પ્રત્યે ધ્વેષની લાગણી નથી. જ્યાં સુધી સંપૂર્ણ સંદર્ભથી આવી દ્વેષની લાગણી સાબિતના થાય ત્યાં સુધી ગુનો કરવામાં આવ્યો છે એવું કહી શકાય નહી.
રાહુલ ગાંધીના કેસનો ઘટનાક્રમ- ક્રોનોલોજી સમજવા જેવી છે ૭ ફેબ્રુઆરીએ રાહુલે પ્રધાનમંત્રી મોદી-અદાણી પર લોકસભામાં ભાષણ આપ્યું, તારીખ ૧૬ ફેબ્રુઆરી એ ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાનો સ્ટે પાછો ખેંચી લીધો, તારીખ ૨૭ ફેબ્રુઆરી એ સુનાવણી શરૂ થઇ અને માર્ચ ૧૭ જજમેન્ટ રિઝર્વ કરવામાં આવ્યું તારીખ ૨૩ માર્ચ એ જજમેન્ટ આવે છે.
કોર્ટ અને સજા એ માત્ર બહાનું છે અદાણીને બચાવવા માટે રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યો છે. નીરવ મોદી ૧૪૦૦૦ કરોડ કૌભાંડ, લલિત મોદી ૫૦૦ કરોડ કૌભાંડ, મેહુલ ચોક્સી ૧૩૫૦૦ કરોડ કૌભાંડ, વિજય માલ્યા ૯૦૦૦ કરોડ કૌભાંડ, ગૌતમ અદાણી કૌભાંડ લાખો કરોડ રૂપીયાનું કૌભાંડ કરી દેશની સંપત્તિ લૂંટે છે અને લૂંટીને ભાગી જાય છે તે દેશદ્રોહી છે. તેની રક્ષા કરનારા દેશના દુશ્મન છે. અને આ તદ્દન સત્ય વાત છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની જનતાને સત્ય જાણવામાં રસ છે બીજી કોઈ વાત જાણવામાં રસ નથી. ભલે તેમણે ગેરલાયક ઠેરવે, માર પણ પડે, જેલમાં પણ પુરી દે તેનાથી મને કોઈ ફરક પડતો નથી, તેઓ સત્ય માટેની તપસ્યા ચાલુ રાખશે. અમને ન્યાય વ્યવસ્થા અને ન્યાયતંત્ર ઉપર પુરેપુરો ભરોસો છે.વિપક્ષને ડરાવવા, ધમકાવવાની કોશિશ, ખોટા કેસ કરવાથી કોંગ્રેસ પક્ષ કે રાહુલ ગાંધી ડરશે નહિ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે સત્ય સાથે અહિંસા માર્ગે દેશ માટે લડાઈ લડનાર રાહુલ સાથે સમગ્ર કોંગ્રેસજન ખભેખભા મિલાવીને સંઘર્ષમાં સાથે છે. રાહુલ ગાંધી દેશના સળગતા સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બોલવાનું અને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. ભારતમાં લોકતંત્ર ઉપર આક્રમણ થઈ રહ્યું છે અને આપણને તેના રોજ નવા નવા ઉદાહરણ જોવા મળે છે રાહુલે પાર્લામેન્ટ હાઉસમાં મીડીયાના રીપોર્ટમાંથી કાઢીને પુરાવા સાથે અદાણી અને નરેન્દ્ર મોદીના સંબંધો અંગે વિસ્તૃત વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, આ સંબંધો ઘણો જુનો છે અને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારનો આ સંબંધ છે અને તે અંગે ઘણાં બધા જાહેર પુરાવા છે. રાહુલે વિમાનમાં આરામદાયક સ્થિતીમાં નરેન્દ્ર મોદી અને તેમના મિત્ર અદાણીની ગોષ્ટી કરતી તસ્વીરો સંસદમાં પણ રજુ કરીને સવાલ કર્યો હતો. ત્યાર પછી રાહુલના ભાષણના અમુક ભાગ દુર કરવામાં આવ્યાં. રાહુલ સ્પિકરને મુદ્દાવાર વિસ્તૃત પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટસ આપવામાં આવ્યાં છે. રાહુલે નિયમોની નકલ પણ રજુ કરી હતી તેમ છતાં કઈ થયુ નહી.
સંસદમાં મંત્રીઓએ રાહુલ વિશે ખોટી વાતો કરવામાં આવી. રાહુલ સામે કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપવા માટે તેમણે સ્પીકરને લેખિત રજુઆત પણ કરી પરંતુ તેમને સંસદમાં જવાબ આપવાની તક આપવામાં આવી નહી. તેઓ પ્રશ્ન પુછવાનું બંધ નહી કરે. નરેન્દ્ર મોદીનો અદાણી સાથે શું સંબંધ છે? ભારતના લોકતંત્ર માટે લડતા રહેશે. ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલે તેમના તમામ ભાષણોમાં એ વાત ઉપર જ ભાર મુક્યો હતો કે, આખો સમાજ એક છે, બધાએ સાથે મળીને રહેવુ જોઈએ, બધા વચ્ચે ભાઈચારાની લાગણી હોવી જોઈએ, નફરત હોવી જોઈએ નહીં અને હિંસાને પણ કોઈપણ સ્થાન નથી. આમ આ સમગ્ર મામલો ઓ.બી.સી.નો નથી, આ મામલો નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધનો છે. રાહુલ ગાંધી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા અંગે સવાલ પુછી રહ્યાં છે અને તેનો જવાબ માંગી રહ્યું છે. ભાજપ મુળ મુદ્દાથી ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્ન કરે છે અને ક્યારેક ઓ.બી.સી.ની વાત કરે છે, ક્યારેક વિદેશની વાત કરે છે, ક્યાંરેક કઈક જુદીજ વાત કરે છે અને ક્યારેક ગેરલાયકાતની વાત કરે છે. પરંતુ મુળ સવાલ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો છે.આ નાણાં કોના છે? રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કોંગેસ સમિતિના મંત્રી અને સંગઠન સહપ્રભારી રામકિશન ઓઝા, વિરેન્દ્રસિંહ રાઠોડ, એઆઈસીસીના સહમંત્રી નીલેષ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી, હિરેન બેન્કર, રત્નાબેન વોરા, મહામંત્રીશ્રી નઈમ મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના પાર્લામેન્ટ સદસ્યતા રદ્દ કરવાના મામલે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ કોગ્રેસના પ્રવકતાડો. અમીત નાયકે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે,મોદી કેમ 9 વર્ષ થી પ્રેસ કોન્ફરન્સ થી દુર ભાગે છે? ક્યાં પ્રશ્નો થી ડરે છે? શું મજબૂરી છે? ખોટો ઉપજાવી કાઢેલો કેસ છે, જે સ્પિચ દક્ષિણ ભારતમાં આપી હતી તે સ્પિચને આધાર બનાવીને ગુજરાતના સુરતમાં માનહાનીનો કેસ દાખલ કરાયો હતો. ભારતીય જનતા પાર્ટી નેતાને આ સ્પિચ સાથે સિધો કોઈ લગાવ કે આક્ષેપ નથી એવા વ્યક્તિએ રાહુલ ગાંધી પર બદનક્ષીનો કેસ કરે છે અને નીચલી કોર્ટમાં જે બાબત આવતી નથી એવી કોર્ટમાં તાબડતોડ આ કેસ ચલાવવામાં આવે છે અને ચુકાદો આપી દેવામાં આવે છે. આવા બદનક્ષીમાં કેસમાં કાયદો કહે છે કે, ઓછામાં ઓછી સજા થાય તે ધ્યાન રાખવું જોઈએ. ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રવકતા ડો. અમીત નાયક, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માલસિંહ રાઠોડ, કાર્યકારી પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી, નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.