અમદાવાદ
આજરોજ અમદાવાદ મહાનગપાલિકાની સામાન્ય સભામાં ફરી હંગામાના દૃષ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે સત્તાપક્ષને સવાલો કર્યા હતા. કોંગ્રેસના આકરા સવાલોના જવાબમાં સત્તા પક્ષે મૌન ધારણ કરી લીધું હતું.
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મીડિયાને જણાવ્યું હતું કે, પાછલા બે મહિનાથી સતત કોંગ્રેસ હાટ્કેશ્વર બ્રિજ મામલે સવાલ ઉઠાવી રહી છે. પરંતુ ભાજપ પાસે કોઈ જવાબ નથી. સભામાં પણ આજે પોઈન્ટ ઑફ ઑર્ડર ઉઠાવવામાં આવ્યો હતો પણ ભાજપે અધિકાર હોવા છતાં જવાબ આપવાના બદલે મેયરે મૌન સેવી લીધું હતું. તેમણે ઉમેર્યું કે મૌન મેયરે જ્યારે કોંગ્રેસ પાર્ટી વિરોધ નોંધાવવા આવી ત્યારે ચાલતી પકડી લીધી હતી. શરમની વાત તો એ છે કે 40 કરોડના ખર્ચે બનેલો બ્રિજ આ રીતે તૂટી જાય છે છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.
શહેઝાનખાને આરોપ કરતા કહ્યું હતું કે, બ્રિજમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે છતાં પણ કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર પર હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. હજુ સુધી એક પણ બ્રીજના સમયસર પૂર્ણ થયા નથીનો આક્ષેપ લગાવતા તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ અપાવી આર્થિક ફાયદો કરાવી રહી છે. આમ સત્તાપક્ષ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પણ કોઈ કાર્યવાહી થતી નથી.
રૂપિયા 40 કરોડના બ્રિજમાં ખાડા પડવા પાછળ કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યો હતો. જ્યારે આ મામલે મેયરને સવાલો કરવામાં આવતા હતા ત્યારે મેયરે મૌન સેવી લેતા કોંગ્રેસી કોર્પોરેટર્સ મેયરના ડાયસ સુધી પહોંચી ગયા અને ડાયસ પર ચઢી વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. સામાન્ય સભામાં હદ કરતા વધારે હોબાળો અને સત્તાપક્ષની ભેરવાયેલી સ્થિતી વચ્ચે સભાને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. પરંતુ છતાં પણ કોંગ્રેસી કોર્પોરેટર્સે વિરોધ નોંધાવવાનું ચાલું રાખ્યું હતું.