સુરત મહાનગર પાલિકા એ કૌભાંડો અને ભ્રષ્ટાચાર નો પર્યાય બની છે. કોઈવાર પાલિકાના કોર્પોરેટરો લાંચ લેતાં ઝડપાયા છે તો વળી કોઈક વાર પાલિકાના અધિકારીઓ લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાય છે, ત્યારે સુરત વરાછા ના કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયા એ સિક્યુરિટી ગાર્ડ ના પગાર માં કટકી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેને લઇને મહાનગરપાલિકા પર વધુ એક કલંક લાગ્યું છે.
સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયાના જણાવ્યા મુજબ સિક્યુરિટી ગાર્ડ પાસે 16 કલાક નોકરી કરાવવા છતાં પણ એમને માત્ર નવ હજાર જેટલી મામૂલી રકમ ચૂકવવામાં આવે છે અને ખુલ્લેઆમ શોષણ થાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટીનું કામ ગણેશ એજન્સીને આપેલું છે તેના એક સિક્યુરીટી ગાર્ડની દીનેશભાઈએ રૂબરૂ મુલાકાત લીધી અને કેટલા કલાક નોકરી કરે છે તેની જાણકારી મેળવી અને તેને કેટલો પગાર આપવામાં આવે છે તેની પણ જાણકારી મેળવી હતી. સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, તેને ૧૬ કલાકમાં 9000 પગાર આપવામાં આવે છે તેમાં પણ 1000 પીએફ કાપવામાં આવે છે. કોઈપણ ગાર્ડને પૂછો કે તારો પીએફ નંબર આપો તાે કોઈને પીએફ નંબર પણ આપ્યો નથી અને તેના નામના ખોટા રૂપિયા કાપી અને જેને 15 થી 20 હજાર પગાર મળવો જોઈએ તેના 8 હજાર રૂપિયા આપીને તેમનું શોષણ કરવામાં આવે છે,એવો આક્ષેપ દિનેશભાઇ કાછડીયા એ કર્યો છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક આ અંગે તપાસ કરવામાં આવે અને તમામ લોકોને વેતન પુરુ મળી રહે એ રીતનો પ્લાનિંગ કરવામાં આવે અને કોઈ એજન્સી ન માને તો એને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી દેવી જોઈએ એવી તેમણે માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશભાઈ કાછડીયા સુરતના સૌથી જાગૃત કોર્પોરેટર છે. અગાઉ પણ તેમણે બસ માં ટિકિટ ની કટકી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જોકે તેઓ સતત પ્રજાલક્ષી કામો માં રચ્યા પચ્યા રહે છે અને સરકારના નાણાં પ્રજા માટે પૂરતા વપરાય એને લઈને સતત શાસક પક્ષ સામે અવાજ ઉઠાવતા જ રહે છે, ત્યારે અનેક લોકો કે જેઓ અન્ય રાજયોમાંથી આવીને સિકયુરીટી ગાર્ડની ફરજ બજાવે છે એવા લોકોને ન્યાય મળે તે માટે તેમણે પગારના કટકી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.