ગુજરાતીમાં એક કહેવત છે કે પીળું એટલું સોનું હોતું નથી.. આ કહેવત ઇન્કમટેક્સ રિટર્ન ભરતા કરદાતાઓ માટે લાગુ પડે છે. કેન્દ્ર સરકારની સખ્તાઇ છતાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં પેનકાર્ડની સામે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા કરદાતાઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે. આવું થવાનું કારણ એ છે કે જેમની પાસે નોકરી નથી, જેઓ બેકાર છે તેમણે પણ પાનકાર્ડ કઢાવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 2.57 કરોડ પાનકાર્ડ ધારકો છે પરંતુ માત્ર 66 લાખ લોકો ટેક્સ ભરે છે. કેન્દ્રની મોદી સરકારની પાનકાર્ડ કઢાવવાની ઝૂંબેશ એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે ઇન્કમટેક્સ વિભાગ તમામ લોકોની છુપી આવક શોધી શકે. તમારા બેન્ક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થાય છે તેની પર ઇન્કમટેક્સની નજર છે. કેન્દ્રની સૂચના છે કે એક વખત પેનકાર્ડ કઢાવી લીધું હશે અને કોઇ આવક નહીં હોય તો પણ ઇન્કમટેક્સ રિર્ટન ફરજીયાત ભરવાનું રહેશે. જો કોઇ પાનકાર્ડ ધારકે રિટર્ન ફાઇલ નહીં કર્યું હોય તો તેમને ઇન્કમટેક્સ વિભાગ નોટીસ આપશે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ઇન્કમટેક્સ પેયર્સની સંખ્યા વધીને 77,16,380 થઇ છે. પેનકાર્ડ અને આધાર કાર્ડની ઝૂંબેશના કારણે આ સંખ્યામાં વધારો થયો છે. 2015-16ના વર્ષના અંતે ટેક્સપેયર્સની સંખ્યા માત્ર 40,02,175 હતી જ્યારે 2017-18માં ટેક્સપેયર્સ 61,15,114 હતી. રાજ્યમાં આકારણીદારોની સંખ્યામાં સૌથી વધુ 69,51,813 વ્યક્તિગત છે. કંપનીમાં પેનકાર્ડની સંખ્યા 88,516 છે, જે હિન્દુ અવિભક્ત કુટુંબોમાં 3,16,709 છે. પેઢીઓ 2,99,155 છે. ટ્રસ્ટો કે જેઓ ઇન્કમટેક્સ ભરે છે તેની સંખ્યા 15,115ની છે અને અન્યમાં 45,072ની સંખ્યા છે.
રાજ્યના આવકવેરા વિભાગે વસૂલ કરેલા ઇન્કમટેક્સના આંકડા જોઇએ તો 2015-16માં ઇન્કમટેક્સનું એકત્રીકરણ 34873 કરોડ રૂપિયા થયું હતું જે 2017-18માં વધીને 48,800 થયું છે. ઇન્કમટેક્સને રાજ્યમાંથી કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત ટેક્સ મળે છે.
2018-19ના પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાંથી કોર્પોરેટ ટેક્સ પેટે ઇન્કમટેક્સ વિભાગે 25,255 કરોડ ઉઘરાવી લીધા છે જ્યારે વ્યક્તિગત ટેક્સમાં વિભાગને 25100 કરોડ મળ્યા છે. બન્નેનો સરવાળો કરીએ તો કેન્દ્રના વિભાગે ગુજરાતમાંથી 50,355 કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ વસૂલ કર્યો છે.
આશ્ચર્યની બાબત એવી છે કે ગુજરાતમાં પેનકાર્ડ ધારકોની સંખ્યા વધીને 2,57,18,311 થઇ છે છતાં રિટર્ન ફાઇલ માત્ર 66 લાખ ટેક્સપેયર્સે ફાઇલ કર્યા છે. આમ થવાનું કારણ પાનકાર્ડ ફરજીયાત બનાવી દેવામાં આવ્યા છે. જે લોકો નોકરી કે ધંધો નથી કરતાં તેમને પણ આધાર કાર્ડની સાથે પાનકાર્ડ બનાવવા પડ્યાં છે પરંતુ તેઓ શૂન્ય રિટર્ન ફાઇલ કરતાં નથી. ઇન્કમટેક્સ વિભાગે આવા કરદાતાઓને પણ નોટીસો આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જો નોટીસનો જવાબ નહીં મળે તો તેવા કરદાતાઓને 5000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.