૮૦ કી.મી.નો રસ્તો ૧૪ એપ્રિલ થી ૧૨ ડીસેમ્બર સુધી બંધ : વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા રસ્તો કરશો અને બધો જ ટ્રાફિક એ રસ્તા પર ચાલશે તો આના કારણે અકસ્માતો વધશે : શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ
રાજ્યસભા સાંસદ , દિલ્હી અને હરિયાણા પ્રભારી, અને એ.આઈ.સી.સીના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગરથી અમદાવાદ જતો રસ્તો જે શોર્ટરૂટના નામથી ઓળખાય છે. જે ભાવનગરથી અધેળાઇ, બાવળીયાળી અને ફેદરા તરફ નીકળતો રસ્તો કે જેનો મહદઅંશે ભાવનગરના લોકો ઉપયોગ કરે છે તે રસ્તાને એકદમ અવિચારી રીતે તઘલખી નિર્ણય તાત્કાલિક ૧૪ એપ્રિલ થી ૧૨ ડીસેમ્બર સુધી બંધ કરવાના નિર્ણયનો સરકાર તાત્કાલિક ફેર વિચારણા કરે તેવી મારી અને કોંગ્રેસ ની માંગણી છે. ૮૦ કી.મી.નો રસ્તો બંધ કરીને વાયા વલ્લ્ભીપુર પર થઈને જવાનો આદેશ કરવો એ વગર વિચારેલું છે. આજ સુધી ક્યારેય આવા લાંબા ડાયવર્ઝનો નીકળ્યા નથી. માત્ર બ્રીજોનું કામ કરવાનું છે તો આ બ્રિજના કામો માટે બાજુમાંથી ડાયવર્ઝન કરી શકાય. અને આજ સુધી હાઈવેના કામો થયા છે તેમાં ડાયવર્ઝન કરીને નજીકમાંથી રસ્તો કાઢી દેવામાં આવે છે. ૮૦ કી.મી. નો રસ્તો બંધ જ કરી દેવાનો એ શું માત્ર કોન્ટ્રાક્ટરનાં ફાયદા માટે છે ? કે કોન્ટ્રાક્ટરને તકલીફ ન પડે , ડાયવર્ઝન કરવું ન પડે ? મારી માંગણી છે કે શું આવી કોઈ જોગવાઈ ટેન્ડરમાં હતી ખરી ? નવ નવ મહિના સુધી તમે ૮૦ કી.મી. નો રસ્તો બંધ જ કરી દેવો એ કયાનો ન્યાય છે? દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી તાત્કાલિક આ અંગે ફેરવિચારણા કરે તેવી મારી માંગ છે. જે નાના માણસો રહ્યા છે એ આ ૮૦ કી.મી.નાં પેચમાં ભાવનગરનો ભાલનો અતિ પછાત વિસ્તાર આવે છે ત્યાના નાના માણસોએ રોડ પર નાની નાની કેબીનો મુકીને , કોઈએ ચાની લારી કરી હશે , કોઈએ લોન મુકીને નાની રેસ્ટોરન્ટ કરી હશે. નવ મહિના સુધી આ લોકોએ રોજનું કમાઈને રોજનું ખાવાનું હોય છે તેઓને ૯ મહિના સુધી આ રસ્તો બંધ જ થઇ જશે તો તે લોકોની શું પરિસ્થિતિ થશે ? અને જ્યારે તમે ૮૦ કી.મી.ના ચાર માર્ગીય મોટા પેચને ૯ મહિના માટે સદંતર બંધ જ કરીને એક એવા રસ્તે ડાઈવર્ટ કરો છો કે જે રસ્તો આજે પણ ટ્રાફિક વાળો રહે છે એવા વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા રસ્તો કરશો અને બધો જ ટ્રાફિક એ રસ્તા પર ચાલશે તો આના કારણે અકસ્માતો વધશે .લોકોના જીવ જશે. આના માટે જવાબદાર કોણ છે? શું સરકારે આની વિચારણા કરી છે ખરી ? ટ્રાફિક જામની સમસ્યા આજે પણ ત્યાં રહે છે. ધંધુકા પાસેનો રેલ્વે બ્રીજ કેટલાય સમયથી અટકાયેલો પડ્યો છે. અને ધંધુકા, બરવાળા, કે વલ્લભીપુર જેવા નગરોની વચ્ચેથી રસ્તો પસાર થાય છે ત્યાં આટલો મોટો ટ્રાફિક તમે ડાઈવર્ડ કરો છો ત્યારે ત્યાના લોકોની શું પરિસ્થિતિ થશે ? તેનો પણ વિચાર કર્યો છે ખરો ? અને ૮૦ કી.મી.નો શોર્ટરૂટ બંધ કરીને વડોદરા , અમદાવાદ તરફ જનારા તમામ ટ્રાફિકને ડાઈવર્ડ કરશો તેનાથી જે કી.મી. વધશે જેના કારણે પેટ્રોલ અને ડીઝલનો કેટલો વ્યય થશે ? સામાન્ય માણસોને ભાડું કેટલું મોંઘુ થશે ? આનો પણ વિચાર કર્યો છે ખરો ? ૮૦ કી.મી. નો રસ્તો આ રીતે અચાનક બંધ નાં કરાય. જ્યાં કોન્ટ્રાક્ટરોને તકલીફ પડતી હોય તેને ભલે પડે ! પણ ત્યાં જ બાજુમાંથી ડાઈવર્ઝન કરીને લોકોને હાડમારી ઉભી નાં થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ગોહિલની માંગણી છે.