ભારતમાં કોરોના વાયરસ ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે સંક્રમિત લોકોનો આંકડો 60 પર પહોંચી ગયો છે. પુણેમાં કોરોના વાયરસના 5 નવા કેસ પોઝીટીવ મળી આવ્યા છે. પુણેમાં કોરોના વાયરસ કોવિડ-19ના બે દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ 3 વધુ લોકોમાં તેના લક્ષણ મળી આવ્યા છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીએ આ વાતની પુષ્ટિ કરી છે. જ્યારે દુનિયામાં 110000 લોકો તેનાથી સંક્રમિત છે. મહામારી બની ચુકેલા કોરોનાથી અત્યારસુધીમાં 4011 કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ચીનમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 3158 થઈ ગઈ છે. ચીન બાદ સૌથી વધુ મોત ઈટલીમાં થયા છે, ત્યાં 631 લોકોના કોરોનાને કારણે મોત થઈ ચુક્યા છે.
કોરોનાના ખૌફને કારણે જમ્મુ-કાશ્મીરમાં પ્રાઇમરી સ્કૂલ, સિનેમાહોલ અને આંગણવાડી કેન્દ્રોને બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારે જમ્મુના પાંચ જિલ્લા જમ્મુ, સાંબા, કઠુઆ, રઇસી અને ઉધમપુર માટે આ નિર્ણય લીધો છે, જે અંતર્ગત 31 માર્ચ સુધી સ્કૂલ, થિએટર્સ અને આંગણવાડી બંધ રહેશે
જણાવવામાં આવી રહ્યું છે કે, દુબઈથી ભારત આવેલા પુણેના પતિ-પત્નીને કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ આ બંનેના સંપર્કમાં આવેલા ત્રણ લોકોને પણ નાયડૂ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુણેમાં અત્યારસુધીમાં 5 પોઝીટીવ મામલા સામે આવી ચુક્યા છે. જ્યારે 19 સંદિગ્ધોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કેરળમાં પણ બે નવા મામલાની પુષ્ટિ થઈ છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત અત્યારસુધીમાં 14 કેસ કન્ફર્મ થઈ ચુક્યા છે.