રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીને લઇને કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી માથાકુટ જામી હતી. એટલુ જ નહીં,રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજીવ શુકલાનુ નામ જાહેર થતાં જ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોમાં જાણે ભડકો થયો હતો. એક તબક્કે તો,ગુજરાતમાં ય મધ્યપ્રદેશવાળી થવાનો ભય ઉભો થયો હતો. આખરે હાઇકમાન્ડે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવા મજબુર થવુ પડયુ હતું. કોંગ્રેસના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ પર મ્હોર મારવામાં આવી હતી. આ બંને ઉમેદવારો આવતીકાલે વિજય મુહુર્ત પર ફોર્મ ભરશે. ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની પેટાચૂંટણી 26મી માર્ચે યોજાનાર છે ત્યારે ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને ઉમેદવાર તરીકે જાહેર ર્ક્યા છે. આ તરફ,કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકીટ મેળવવા ભરત સોલંકીએ એડીચોટીનું જોર લગાવ્યુ હતું. એટલી હદે કે,ગુરૂવારે બપોરે રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાની પસંદગી થઇ છે.માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે તેવી વાત વહેતી થતાં જ ભરત સોલંકીના સમર્થક ધારાસભ્ય બળદેવજી ઠાકોર, સી.જે.ચાવડા,ભરતજી ઠાકોર સહિતના ધારાસભ્યો અમિત ચાવડાને મળવા પહોંચ્યા હતાં. તેમણે રીતસર વિરોધના સૂર ઉઠાવીને એવુ કહ્યુંકે, ધારાસભ્યોના મત લેવાયાં છે અને જે નામ સર્વસંમતિથી નક્કી કરાયા હોય તો પછી અન્યા નામ કેમ… એક તબક્કે તો, એવી રાજકીય અફવા વહેતી થઇ કે, ભરત સોલંકી જયોતિરાદિત્ય સિંધીયાના માર્ગે જવા તૈયાર થયા છે. ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે ભરત સોલંકી હશે. મોડી સાંજ સુધી એમએલએ કવાટર્સ પર બેઠકોનો દોર જામ્યો હતો. ધારાસભ્યોનો એક જ સૂર હતોકે,સૃથાનિક નેતાઓને ટિકીટ આપો.આમ,રાજકીય પ્રેશર ટેકનીક અપવાની ટિકીટ મેળવવા ભરત સોલંકીએ છેલ્લી ઘડી સુધી ધમપછાડાં કર્યા હતાં.
આખરે ગુજરાતમાં રાજકીય પ્રવાહી પરિસ્થિતીનો ભાજપ લાભ ન લે તે જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને રાજ્યસભાના ઉમેદવાર ઘોષિત કર્યા હતાં. કોંગ્રેસ હાઇકમાન્ડ નો રિપીટ થિયરી અજમાવતા મધુસુદન મિસ્ત્રીનુ પત્તુ કપાયુ હતું.ગત વખતે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને જીતાડવામાં અહમ ભૂમિકા ભજવનારાં શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ હાઇકમાન્ડે શિરપાવ આપ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસમાં સંગઠન પર પક્કડ ધરાવતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકીને રાજ્યસભા મોકલી ઓબીસી વોટબેન્ક પર કબજો જાળવી રાખવા પ્રયાસ કરાયો છે. જોકે, હવે અર્જૂન મોઢવાડિયાને હાઇમાન્ડ કયો હોદ્દો આપીને મનાવશે તેના પર કોંગ્રેસી કાર્યકરોની નજર છે. રાજ્યસભાની ચૂંટણીમાં જો ભાજપ ત્રીજો ઉમેદવાર ઉભો રાખશે તો ચૂંટણી રસપ્રદ બની રહેશે. ભાજપને ત્રીજી બેઠક જીતવા સાતેક મતો ખુટે છે ત્યારે ભાજપ માટે સારા સમાચાર છેકે, સુપ્રિમ કોર્ટમાં દ્વારકા બેઠકનો ચુકાદો આ જ સપ્તાહમાં આવી શકે તેવી શક્યતા છે. જો ભાજપની તરફેણમાં આવશે તો એક મત વધશે. પભુભા માણેક ભાજપને મત આપી શકશે જેથી ભાજપ જો બીટીપી-એનસીપી સાથે સોદો કરે તો ત્રણેક મતોની જરૂર પડશે.જેથી કોંગ્રેસના માત્ર ત્રણ ધારાસભ્યો પાસે ક્રોસવોટિંગ કરાવે તો ત્રીજી બેઠક આસાનીથી જીતી શકાય તેમ છે. કોંગ્રેસે મોડી રાત્રે બે ઉમેદવારોના નામો જાહેર કર્યા હતાં.શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. હવે ભાજપ છેલ્લી ઘડીએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખી શકે છે. તેમાં ય બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા ઉમેદવારી નોંધાવી શકે છે. છોટુ વસાવા એ ફેસબુક પર એવી પોસ્ટ લખીકે,રાજ્યસભાની ચુંટણીમાં બીટીપીનો મહત્વનો રોલ હશે. આ જોતાં છોટુ વસાવા કઇંક નવાજૂની કરે તેવી શકયતા જોવાઇ રહી છે. રાજ્યસભાની ચૂંટણી ફોર્મ ભરવા માટે આજે છેલ્લી તારીખ છે. ભાજપે સત્તાવાર જાહેરાત કરી છેકે, અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા બપોરે 12.39 કલાકે વિજય મુહુર્ત પર રાજ્યસભાની ચૂંટણી ફોર્મ ભરવા જશે. તે વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઉપરાંત ભાજપના પ્રદેશ નેતા-મંત્રીઓ ય હાજર રહેશે.આ ઉપરાંત કોંગ્રેસના બંને ઉમેદવારો ય આજે બપોરે ફોર્મ ભરશે. રાજ્યસભાની ચૂંટણી મેદાને ભાજપે રમીલાબેન બારા અને અભય ભારદ્વાજને ઉતાર્યા છે. મોડી રાત્રે બાર વાગે દિલ્હીથી અમીત શાહ દ્વારા નરહરી અમીનનો સંપર્ક કરી તેમને તેમના ત્રીજા ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની સૂચના આપી છે. તે પ્રમાણે આજે તેઓ ઉમેદવારી કરશે. નરહરી અમીન માત્ર જીતવા માટે ત્રણ વોટની જરૂર છે, તે ત્રણ વોટ કોંગ્રેસમાંથી તોડવાના પ્રયત્નો કરાશે. નરહરી અમીનના કોંગ્રેસ સાથેના જૂના સંપર્કો જોતા અમીત શાહે તેમનું નામ સિલેક્ટ કર્યું હતું.