કોરોના વાયરસના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની સામે લડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પાણી પહેલા પાળ બાંધવાની તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યના શહેરોના એરપોર્ટ પર અન્ય દેશોમા ફરીને આવતા લોકોનું એરપોર્ટ પર જ થર્મલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
બીજી તરફ અમદાવાદમાં છેલ્લા 15 દિવસના સમયમાં 21 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. આ તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ચીન, જાપાન, ઈરાન, ઈટાલી, કોરિયા, ફ્રાન્સ, સ્પેન, થાઈલેન્ડ અને જર્મની સહિતના દેશોમાંથી આવતા 300 લોકોને ફરજીયાત હોમ કોરન્ટાઈન(ઘરમાં જ અલગ) રાખવામાં આવ્યા છે. આ તમામ લોકોની આગામી 14 દિવસ સુધી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તેમના ઘરે જઈને તપાસ કરવામાં આવશે.
કોરોના વાયરસના ભયના કારણે આરોગ્ય વિભાગ દ્વારા બીજો નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુરુવારથી અમદાવાદમાં AMTS અને BRTS બસોના હેન્ડલને ટચને જંતુમુક્ત કરવામાં આવે. આ કામ કરવા માટે 25-25 લીટરનું પ્રવાહી હેલ્થ વિભાગ દ્વારા AMTS અને BRTSને આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના આ નિર્ણયના કારણે બસોમાં મુસાફરી કરનારા લોકોને ઇન્ફેકશન લાગશે નહીં. આ સાથે અમદાવાદની 200થી વધુ હોસ્પિટલ સહિત દેશની 10 હજાર કરતા વધારે હોસ્પિટલો અને મંદિરોમાં કોરોના વાયરસથી બચવાના બેનરો લગાવવામાં આવ્યા છે.
કોરોના વાયરસનો લાભ ઉઠાવીને અમદાવાદમાં કેટલાક વેપારીઓ માસ્કનું વેચાણ વધારે ભાવમાં કરી રહ્યા હોવાની તોલમાપ વિભાગના અઢળક ફરિયાદો મળી હતી. જેથી નિયંત્રક દ્વારા તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યા છે કે, તોલમાપ વિભાગના નિયંત્રક માત્ર તપાસનો દાવો કરે છે. વેપારીઓ સામે કેસ કરવાના બદલે તેમને માત્ર સુચનાઓ આપીને પરત આવી જાય છે.