૫ જૂનના રોજ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. તો બીજી તરફ એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જંગલોનો ઘટાડો થઈ રહ્યો છે. આ અંગે ચિંતા વ્યક્ત કરા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આ રિપોર્ટમા થયેલા ખુલાસા અંગે વિગતે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂનના રોજ સહુને શુભેચ્છાઓ સાથે પર્યાવરણને બચાવવાની પણ નેમ લેવી પડશે. ગ્લોબલ ફોરેસ્ટ વોચ સંસ્થા મુજબ વર્ષ ૨૦૦૧ થી લઇને ૨૦૨૧ સુધીમાં ગુજરાતે ૧૦૧ હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું છે.આગ લાગવાથી ૯ હેક્ટર અને અન્ય કારણોથી ૯૨ હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું છે. વિસિબલ ઇન્ફ્રારેડ એમજીંગ રેડિયોમીટર સ્યુટ ટેકનોલોજી ના માધ્યમથી ગ્લોબલ ફોરેસ્ટ વોચ વિશ્વના જંગલો ઉપર નજર રાખે છે. સંસ્થાના સર્વે મુજબ નર્મદા અને ડાંગએ સૌથી વધુ વૃક્ષોનું આવરણ ગુમાવ્યું છે. સંસ્થા મુજબ ૧ જૂન ૨૦૨૦ થી લઇ ૨૯ મે ૨૦૨૩ની વચ્ચે ગુજરાતમાં ૧૫,૯૬૮ ફાયર એલર્ટ મળ્યા છે. જેનો મતલબ થાય કે ગુજરાતની ધરતી ઉપર આટલી આગની ઘટના ઘટી છે જેના લીધે વૃક્ષ આવરણને નુકશાન થયું છે. ૨૩ મે થી ૨૯ મે ૨૦૨૩ના ૭ દિવસોમાં ૪૮૯ ફાયર એલર્ટની ઘટનાઓ સામે આવી છે.વર્ષ ૨૦૨૨ માં ૮૦૦૦ હેક્ટર જમીન આગ નો ભોગ બની છે, જ્યારે વર્ષ ૨૦૨૧ માં ૭૬૦૦૦ હેક્ટર જમીન આગની ચપેટમાં આવી છે.