ફી ઘટાડવા માટેનું સૂચન કરી આવેદન પત્ર આપ્યું : 48 કલાકની અંદર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો આંદોલન કરાશે
અમદાવાદ
ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ યુનિવર્સિટીમાં B.com, BBA અને BAમાં વાર્ષિક ફી 4.20 લાખ છે, જ્યારે 4 વર્ષની ફી 16.80 લાખ વસૂલવામાં આવી રહી છે.તેના વિરુદ્ધમાં આજે અમદાવાદ યુનવર્સિટી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી અને 48 કલાકની અંદર જો આની ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી માંગ કરવામાં આવી હતી.સરકારના રાજમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ છે. જે લાખો રૂપિયા ફી વસૂલી રહી છે. એ પ્રમાણે સ્કૂલોમાં ફી નિયમન માટે FRC છે, એ પ્રમાણે યુનિવર્સિટીની ફી નિયંત્રણ કરવા FRC હોવી જરૂરી છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે એ બદલ NSUI દ્વારા રેલી કાઢવામાં આવી હતી. સેપ્ટ યુનિવર્સિટીના ગેટથી અમદાવાદ યુનિવર્સિટીની એડમિન ઓફિસ સુધી ચાલતાં ચાલતાં સૂત્રોચ્ચાર અને હાથમાં બેનર સાથે રેલી યોજી હતી.અમદાવાદ યુનિવર્સિટીનો ગેટ બંધ અને બહાર પોલીસ હોવા છતાં NSUIના કાર્યકરો પોલીસ સાથે ઘર્ષણ કરીને 50 કાર્યકરો યુનિવર્સિટીનો ગેટ કૂદીને અંદર પહોંચી ગયા હતા.ગેટની અંદર બેસીને કાર્યકરોએ રામધૂન બોલાવી હતી અને નારા લગાવ્યા હતા. 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ફી ઘટાડવા માંગ કરી હતી.