
અજય એચ. પટેલ બિનહરિફ ચુંટાયા તે બદલ દિલિપ સંધાણી, ઘનશ્યામ અમીને અભિનંદન પાઠવ્યા

અજય એચ.પટેલ
અમદાવાદ
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી., ના ચેરમેન અજય એચ.પટેલ કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા (COBI) નવી દિલ્હી ના ચેરમેનપદે આગામી પાંચ વર્ષ માટે બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. કો-ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્ર માટે દેશમાં એક સર્વોચ્ચ બેંક હોવી જોઈએ અને એપેક્ષ બેંક તરીકે કામ કરી શકે તે ઉદ્દેશથી, દેશમા સ્ટેટ કો-ઓપરેટીવ બેંકો, મલ્ટી સ્ટેટ અર્બન કો-ઓપરેટીવ બેંકો, વિવિધ નેશનલ કો-ઓપરેટીવ ફેડરશન, જમીન વિકાસ બેંકો તથા નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા તેમજ અન્ય સંસ્થાઓ માટેની સ્થપાયેલી સર્વોચ્ચ બેંક એટલે કે COBI નું નેતૃત્વ અજય એચ. પટેલ દ્વારા કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયાનાં સ્તરે તેની પહોંચ વધારે ગાઢ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં દીર્ઘદ્રષ્ટાં નેતૃત્વ હેઠળ અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ “સહકાર થી સમૃધ્ધિ” ના સિધ્ધાંત દ્વારા તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના “વન અમ્બ્રેલા” ના વિચાર હેઠળ દેશના અમૃતકાલમાં સહકારિતા મંત્રાલયે સમગ્ર રાષ્ટ્રની ક્રેડીટ કો-ઓપરેટીવ સંસ્થાઓના વિકાસ માટે જે મિશન ઉપાડેલ છે તે સાકાર કરવા ભારતીય કો-ઓપરેટીવ ક્રેડીટ માળખા થકી નાણાંકીય અને બેંકિંગ સેવાઓના વ્યાપ વધારવા માટે તેમજ તેને માર્ગદર્શન પુરૂ પાડવા માટે અજય પટેલ ના નેતૃત્વ હેઠળ કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા (COBI) નવા સોપાનો સર કરશે.
આજે દિલ્હીમાં કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયાની વાર્ષિક સાધારણ સભામાં અજય એચ. પટેલ બિનહરિફ ચુંટાયા તે બદલ દિલિપ સંધાણી, ઘનશ્યામ અમીન તેમજ દેશની અને રાજ્યની જુદીજુદી કો-ઓપરેટીવ સંસ્થાઓના ચેરમેન તેમજ સહકારી અગ્રણી આગેવાનોએ અજય પટેલને અભિનંદન પાઠવેલ હતા.