ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડશે. મોટી સંખ્યામાં હાજર રહેનારા ભક્તો માટે પ્રસાદની પણ તડામાર તૈયારી ચાલી રહી છે. એકપણ ભાવીક પ્રસાદી વગર ન રહી જાય તે માટે રાત દિવસ રસોડા ધમધમી રહ્યા છે. સરસપુર ખાતે વિવિધ પોળમાં રસોડા શરૂ કરીને કામગીરી શરૂ કરાઈ છે.
ભગવાન જગન્નાથજીને રંગે ચંગે આવકારવા સરસપુરવાસીઓએ તડામાર તૈયારી કરી છે. સરસપુર ખાતે ઉત્સવ જેવો માહોલ છે. ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે.
એક અંદાજ પ્રમાણે સરસપુર ખાતે દોઢ લાખની આસપાસ હરિભક્તો ઉમટતા હોય છે. વિવિધ પોળના લોકો એક સંપ થઈને પ્રસાદી બનાવવાનું કાર્ય ઉપાડે છે. સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.