સૌપ્રથમ વડોદરાના અટલ બ્રિજ બાદ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને હવે GJ-૧૮માં બનેલા રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજમાં તિરાડો જાેવા મળતા કામગીરી સામે સો મણનો સવાલ ઉભો થયો છે. નોંધનીય છે કે ૫૨ કરોડના ખર્ચે ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ત્રણ દિવસ અગાઉ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં હાલ બ્રિજના નીચેના ભાગમાં તિરાડો જાેવા મળતા ભ્રષ્ટાચારની અને ગેરરીતિની ગંધ આવી રહી છે. જાેકે આ મામલે તંત્ર મૌન સેવીને બેઠું છે.ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલ બ્રિજને ૪ દિવસ પહેલા જ લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકાયો હતો. જાેકે તમામ નીતિ નિયમના પાલન સાથે ટેસ્ટિંગ કરીને બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હોવાના દાવા વચ્ચે બ્રિજના લોકાર્પણ થયાના ૩ દિવસમાં જ તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું છે. જેને લઈને સબંધિત અધિકારીઓમા સોંપો પડી ગયો હતો. બીજી બાજુ બ્રિજના ઉપરના માર્ગ પર પણ ડામરના થિગળા મારવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો છે. બ્રિજમા નીચેના ભાગે મસમોટી તિરાડ હોવા છતાં આ મામલે માર્ગ અને મકાન વિભાગે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને બ્રિજમાં કોઈ તિરાડ પડી નથી એક્સપાન્શન જાેઈન્ટના કારણે બ્રિજમાં તિરાડો દેખાઈ રહી હોવાના ટેક્નિકલ જવાબની કેસેટ વગાડી દીધી હતી.
કઠણાઈ તો એ છે કે કરોડો રૂપિયા ખર્ચી નાખવા છતાં પણ માત્ર ત્રણ દિવસમાં જ તિરાડો પડતા પ્રજાના પૈસાનો દુર્વ્યય થતો હોવા જેવો ઘાટ સર્જાયો છે. બીજી બાજુ સંબંધીત વિભાગ પણ કસુરવારો સામે પગલાં લેવામાં શંકાસ્પદ ભૂમિકા નિભાવતો હોવા જેવી સ્થિતિ સર્જાઇ છે. શુ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?, ૩ દિવસમાં તિરાડ કેવી રીતે પડે?ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી? કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જેવી કામગીરી થશે? તે સહિતના સવાલો લોકોના મનમાં સતાવી રહ્યા છે. મહત્વનું છે કે વડોદરા ૨૩૦ કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનિષા ચોક્ડી સુધીનો સૈાથી લાંબો ફલાઇ ઓવર બ્રિજ બનાવ્યો છે. જેને પણ ખુલ્લો મુક્યાના ચાર મહિનામાં જ તિરાડ પડવી શરૃ થતા બ્રિજ ચર્ચામાં આવ્યો હતો.