ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ભાજપ સરકારમાં માસ-બીફ ની નિકાસમાં ૩૫ ટકા જેટલો અધધ વધારો નોંધાયોઃ “પીન્ક રીવોલ્યુશન” તરફ આગળ વધતી ભાજપ સરકારની નિતિ-નિયત ખુલી પડી
અમદાવાદ
દેશની ‘ઋષી’ અને ‘કૃષી’ની સંસ્કૃતિનો વિનાશ પહોંચાડતો જે જીવતા પશુઓની નિકાસ કરતો ક્રુર કાયદો કેન્દ્રની ભાજપ સરકાર લાવવા જઈ રહી છે ત્યારે દેશમાં વધી રહેલા “પીન્ક રીવોલ્યુશન” અને પશુ નિકાસ કાયદા બિલ પરત ખેંચવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દેશની સંસ્કૃતિ સાથે ચેડા કરી રહી છે. ‘ઋષી’ અને ‘કૃષી’ ના દેશમાં કીડીને કણ અને હાથીને મણ સાથે પહેલી રોટલી ગાય અને છેલ્લી રોટલી કુતરાને આપવાની પરંપરા છે ત્યાં જીવતા પશુઓની નિકાસ કરવાના ક્રુર કાયદા લાગુ થવાથી ગાય, ભેસ, ઘેટા સહિતના પશુધનની મોટા પાયે નિકાસ થશે. ભાજપ માત્ર પ્રવચનમાં બુદ્ધ, મહાવીર અને મહાત્મા ગાંધીની વાતો કરે છે. પરંતુ ગાય અને પશુ ધનના ગૌચરો ખાઈ જવાય, ગૌચર વેચી દેવાય, ગૌચર ગાયબ કરી દેવાય, પશુધનને ઘાસચારા વિના રસ્તા ઉપર રખડતા કરી દેવાની ભાજપની નીતિઓ વારંવાર ખુલ્લી પડી છે. બુદ્ધ અને મહાવીરના સિદ્ધાંતોની બે મોઢાની વાતો કરનાર ભાજપ સરકારની ચાલ, ચલન અને ચરિત્ર ખુલ્લુ પડી ગયું છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માંસની નિકાસ અંગે “પીન્ક રીવોલ્યુશન” તરફ આગળ વધતી ભાજપ સરકારમાં માસ-બીફ ની નિકાસમાં ૩૫ ટકા જેટલો અધધ વધારો નોંધાયો છે. માત્ર વર્ષ ૨૦૨૧માં જ ૧૪.૨ બીલીયન એટલે કે ૧૦.૮૬ લાખ મેટ્રીક ટન માસ-બીફ ૭૦થી વધુ દેશોમાં નિકાસ થયો છે. આજ રીતે નિકાસ ચાલતો રહેશે તો વર્ષ ૨૦૨૬ સુધીમાં માસ-બીફની નિકાસ ૧૯.૩૦ લાખ મેટ્રીક ટન જેટલી ઉચ્ચ સપાટીએ પહોંચી જશે. ગાયના નામે મત માંગનારી ભાજપ જીવીત પશુ અને પશુધનના નિકાસ કરે ત્યારે ગૌરક્ષા માટે મોટી મોટી વાતો કરતી વિશ્વ હિંદુ પરિષદ, આર.એસ.એસ. કેમ મૌન છે? કેમ આ જીવતા પશુઓના નિકાસના બિલનો વિરોધ કરતી નથી? આ સ્પષ્ટ દર્શાવે છે કે, ભાજપ-આર.એસ.એસ. માત્ર મત મેળવવા માટે ગાય, જીવીત પશુનો સહારો લઈ મતની ખેતી કરે છે. લાઈવસ્ટોક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બિલ – ૨૦૨૩ સૂચિત બિલ આશ્ચર્યજનક રીતે ગાય, ભેંસ અને પ્રાણીઓને કોમોડિટી તરીકે વ્યાખ્યાયીત કરે છે અને જીવંત સ્ટોકની નિકાસને કાયદેસર બનાવવાનો સ્પષ્ટ મુસદ્દો છે. આમ જીવિત પશુ, પક્ષીઓ અને ઢોરની નિકાસને આ રીતે હેરાફેરી કરીને દબાણ કરવું એ બંધારણની જોગવાઈઓ અને ભાવના વિરુદ્ધ છે. આ બિલ પસાર થવાથી રાષ્ટ્રીય પશુ સંપત્તિના હિત પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે, છેલ્લા ઘણા સમયથી ભારતમાંથી મોટા પાયે માંસની નિકાસને કારણે સરકાર અને તેની તંત્રની ઘોર ઉપેક્ષા અને ઉદાસીનતાનો શિકાર મુંગા પશુધન બની રહ્યાં છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા જીવતા ગાય, ભેંસ સહિતના પશુઓને નિકાસ કરવાનો કાયદો બનવા જઈ રહ્યો છે જે જીવદયા પ્રેમી માટે ઘેરી ચિંતાનો વિષય છે.
મૃત પશુઓના માંસની નિકાસમાં અવલ્લ સિધ્ધી હાંસલ કરવા તરફ આગળ વધતી મોદી સરકાર હવે જીવતા પશુઓની નિકાસ માટે કાયદો બનાવવા જઈ રહી છે ત્યારે, સંત-મહાત્મા, જૈન મુનિશ્રીઓ સહિત તમામને નમ્ર અપીલ છે કે, બહુમતિના જોરે અહંકારી ભાજપ સરકારના ભારતીય સંસ્કૃતિ વિરોધી પગલા સામે આક્રોશ સાથે રૂકજાવ આંદોલનમાં આશિર્વાદ સાથે જોડાય. સૂચિત બિલને તાત્કાલિક રદ કરવાની કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.