ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. હોકરા મંદિર જઇ રહેલા શ્રદ્ધાળુઓ ભરેલી જીપ રામગંગા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સવાર નવ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ઘટના સમયે જીપમાં લગભગ 12 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. જીપમાં સવાર તમામ લોકો બાગેશ્વર તાલુકામાં ભનારના રહેવાસી હતા.
એક રિપોર્ટ અનુસાર, તમામ શ્રદ્ધાળુઓ બાગેશ્વરના શામાથી હોકરા મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા હતા. જે બાદ સ્થાનિક લોકો એકઠા થયા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બચાવ માટે એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આશંકા છે કે મૃત્યુઆંક પણ વધી શકે છે.
પિથૌરાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, પોલીસ, SDRF અને એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો કપકોટ, શામા અને ભનારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ કપકોટથી SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.