આજે 22 જૂનનો દિવસ છે, આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલ પોતાનો 68મો જન્મ દિવસ કડી ખાતે મનાવી રહ્યાં છે, આ પ્રસંગે અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં કડીમાં સીઆર પાટિલે નીતિન પટેલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવીને સંબોધન કર્યુ હતુ. તેમને નીતિન પટેલને પાર્ટીના ભીડભંજન ગણાવ્યા હતા.
સીઆર પાટિલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, નીતિનભાઇ અમારી પાર્ટીના ભીડભંજન છે, તેઓએ પાર્ટીમાં ભીડમાં હોય ત્યારે મહત્વનું કામ કર્યુ છે. નીતિનભાઈ હજુ રાજકીય ક્ષેત્રે આગળ વધે એવી અપેક્ષા છે. તેમને નીતિન પટેલને લઇને વધુમાં જણાવ્યુ કે, નીતિનભાઈ હમણાં હિન્દી શીખી રહ્યા છે, જે જવાબદારી તેમને સોંપી છે એટલે હિન્દી શીખી રહ્યા છે. નીતિનભાઈનો ગોલ પાક્કો હોય છે, જે કામ હાથમાં લે તે પૂર્ણ કરે જ. કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી હોવા છતાં ટ્રેનમાં બેસીને સુરત પહોંચ્યા હતા. નીતિનભાઈ ઉંમરમાં મારા કરતા એક વર્ષ નાના છે પણ રાજકીય ઊંચાઈમાં મારાથી ઘણા મોટા છે.
સીઆર પાટિલે પીએમ મોદી અને ભારતને લઇને પણ મહત્વનું નિવેદન કર્યુ હતુ, તેમને કહ્યું કે, ઉત્તર ગુજરાતના પાણીમાં અલગ જ તાકાત છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ તાકાત પાકિસ્તાને પણ જોઇ છે, પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યુ છે. 2014 પહેલા પાકિસ્તાનને ગુલાબજાંબુ મોકલતા હતા, મોદી સાહેબે ગોળીઓ મોકલી છે. 2014 પહેલાની સરકાર પાકિસ્તાનને જવાબ આપવામાં સક્ષમ ન હતી. ભારત દેશનો જવાન – પાઇલૉટ પાકિસ્તાનમાં પડ્યો તો 24 કલાકમાં પાછો મોકલ્યો છે. કોઈ દેશના પાઇલૉટને 24 કલાકમાં પાછો મોકલ્યો હોય એવી પ્રથમ ઘટના બની. સીઆર પાટિલે કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી માટે અમારો નારો 405નો છે, અબકી બાર 405 કે સાથ ફિરસે મોદી સરકાર.
આજે નીતિન પટેલના 68મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી APMC ખાતે રજતતુલા અને સન્માન સમારંભ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.