અમદાવાદ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ/ટીડીઓ, લાઈટ ખાતામાં તથા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અમદાવાદમાં સહાયક સર્વેયરની 54 જગ્યાઓ, સહાયક ફિમેલ હેલ્થ વર્કરની 292 જગ્યાઓ, સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની 4 જગ્યાઓ તથા સહાયક સ્ટાફ નર્સની જગ્યા 1 ઉપર પસંદગી પામેલ તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉદબોધન આપતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકાર તમામ જગ્યાએ યુવાનોને નોકરીઓની તક આપે છે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ખૂબ મોટી સંખ્યામાં આજે યુવાનોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્વની જગ્યા ઉપર વિવાદ સિવાય, લાયકાત ધરાવતા તથા યોગ્યતા ધરાવતા ઉમેદવારોને નોકરી મળી રહી છે.
ગુજરાત જે ગતિથી વિકાસ કરી રહ્યું છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરેક પ્રકારની વસ્તી, ગરીબ અને અમીર એવા તમામ લોકોને આરોગ્ય, રસ્તા, પાણી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવી પાયાની સગવડો પૂરી પાડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોને ટાંકતા તેમણે કહ્યું કે “વિકાસ એટલે બનેલા રસ્તા પર ગરીબ અને અમીર એમ દરેક પ્રકારના લોકો ચાલી શકે.” મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મચારીઓની ઝડપી ભરતી કરવાનો હુકમ આપ્યો હતો. ત્યાર બાદ, ખૂબ જ ઝડપથી કર્મચારીઓની ભરતીની વ્યવસ્થા થાય તથા યોગ્ય મેરીટવાળા લોકો પ્રજાની સેવામાં આવે તે રીતે ગુજરાત સરકાર નોકરીઓમાં યુવાનોની ભરતી કરી રહી છે.નિમણૂક પામેલા ઉમેદવારો પ્રજાની સેવામાં આવે તો તેમણે ફક્ત નોકરીનો ભાગ ન સમજીને હક અને ફરજ એમ સિક્કાની બંને બાજુઓ ઉપર કામ કરવું. પ્રજાના આરોગ્યથી લઈને જરૂરિયાતમંદ લોકોનું કુપોષણ દૂર થાય તે માટેના મહત્વના કામ અને વ્યવસ્થા નિમણૂક પામેલા આરોગ્યના કર્મચારીઓ જોવે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.કોરોના મહામારીના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આરોગ્યને લગતી સેવાઓને યાદ કરીને તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન પાઠવ્યા. સાથે જ નિમણુક પામેલા બધા યુવાનો સમાજને સાથે લઈને ચાલે, પોતાની જવાબદારી પૂર્ણપણે નિભાવી તેવી આશા સાથે તેમણે સૌ નિમણૂક પામેલ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, ઔડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, દંડક અરુણસિંહ રાજપુત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારસન, પસંદગી પામેલ ઉમેદવારો, તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ હાજર રહ્યા હતા.