એક સમય હતો જ્યારે છુટાછેડા જેવી બાબતો પર દંપતી દુખી થતુ હતું, સાથે જ પરિવાર પણ દુખી થતુ હતું. પરંતુ સમય એવો આવ્યો છે કે, લોકો છુટાછેડાની ખુશી મનાવતા થયા છે. આવો જ એક કિસ્સો ગુજરાતમાં જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલ ચાણસ્મામાં એક યુવકે પોતાના છુટાછેડાની અનોખી રીતે ઉજવણી કરી છે. છુટાછેડા થતા યુવકે ખુશીમાં સ્થાનિક પાંજરાપોળમાં દાન કર્યુ હતું. પાટણ જિલ્લાના ચાણસ્માનો આ કિસ્સો છે. જેમાં વિપુલકુમાર રમેશભાઇ રાવળ નામના યુવકના છૂટાછેડા થયા હતા. આ યુવકે દુખને બદલે ખુશી મનાવી હતી. ખુશીમાં તેણે જીવદયા પેટે રૂપિયા 750 રૂપિયાની પાવતી ફડાવી હતી. છૂટાછેડાની ખુશીનો કદાચ આવો પ્રથમ કિસ્સો જોવા મળ્યો હતો. હાલ છુટાછેડાની દાનની પાવતી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.ઉલ્લેખનીય છે કે, છુટાછેડા પર ઉજવણી કરવી નવા જમાનાનો એક ટ્રેન્ડ બની ગયો છે. લોકો હવે ડિવોર્સ લેવા પર પાર્ટી કરે છે. કાગળો ફાડતી તસવીરો શેર કરે છે. અથવા તો લગ્નની તસવીરો ફાડતા વીડિયો શેર કરે છે. એ સમય હવે ગયો, જ્યાં લોકો છુટાછેડા થવા પર દુખી થતા હતા.