ગુજરાતીઓ માટે કેનેડા હોટ ફેવરિટ બની ગયું છે. પરંતુ કેટલાક કેનેડામા જઈને પસ્તાઈ રહ્યાં છે. કેનેડા જવાનો મોહ હવે લોકોને ભારે પડી રહ્યો છે. પરંતુ આ વચ્ચે એક ગજબનો કિસ્સો બન્યો છે. માતાપિતા કેનેડા જતા જ પુત્રએ પોત પ્રકાશ્યુ હતું. પુત્રએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને 19 વીધા જમીન બારોબાર વેચી દીધી હતી. ખેરવાડી અને તરસવા ગામની જમીન વેચી દેનાર પુત્ર અને બે નોટરી સામે પિતાએ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના માંજલપુર વિસ્તારનો આ બનાવ છે. જેમાં માંજલપુર વિસ્તારમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલે પોતાના પુત્ર હર્ષ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે, હું અને મારી પત્ની વર્ષ 2017 માં મારી દીકરીના ઘરે કેનેડા ગયા હતા. તે દરમિયાન મારા પુત્ર હર્ષે મારી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હતી. તેણે મારા અને મારી પત્ની તથા બે બહેનોના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હતી, જે બાદ વાધોડિયા તાલુકાના ખેરવાડી તેમજ તરસવા ગામની અમારી કુલ 19 વીધા જમીને તેણે મારા જાણ બહાર બારોબાર વેચી દીધી હતી.આ વાતની જાણ મારા ભાઈએ મને ફોન પર કહી હતી. જેના બાદ અમે ભારત આવી ગયા હતા. અમે જોયુ કે, મારી તરસવા અને ખેરવાડીમાં આવેલી બંને જમીનોના બોગસ દસ્તાવેજ થયા હતા.મેં સબ રજિસ્ટ્રારની ઓફિસમાંથી દસ્તાવેજોની નકલ મેળવી હતી. જેમાં અમારી 19 વીઘા જમીન સંયુક્ત માલિકની હોવાથી તેના દસ્તાવેજો થયા હતા. પાવર ઓફ એટર્નીમાં હુ, મારી પત્ની અને પુત્રી ભારતમાં ન હોવા છતા નોટરીએ બીફોર મી તરીકે ખોટા સહી અને સિક્કા કર્યા હતા.