ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણાના બોરીયાવી ખાતે દૂધસાગર ડેરીની શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલનો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા રૂ.૭૫ કરોડના ખર્ચે ૧૧ એકર જમીનમાં આ સૈનિક સ્કુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે સ્વ મોતીભાઈ ચૌધરીની જન્મ શતાબ્દીને ખુબ ભવ્ય રીતે ઉજવવા બદલ દૂધસાગર ડેરીના ચેરમેન સહિત સંચાલક મંડળને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે તેઓએ પોતાની બાલ્યાવસ્થામાં મોતીબાપુને કામ કરતા ખૂબ નજીકથી જોયા છે. તેઓએ કહ્યું કે આટલા વિરાટ વ્યક્તિ આદરણીય મોતીબાપુ ગ્રામ ભારતીમાં ખૂબ સાદાઈથી રહીને જાહેર જીવનના જમીનથી જોડાયેલા કાર્યકર્તા તરીકે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી માનસિંગભાઈ પછી કોણ તે સમસ્યા અને સહકારી ક્ષેત્રને ગતિ આપવાની વાત હોય તે વખતે મોતીબાપુએ આ શૂન્યવકાશને પુરવાનું કામ કર્યું. શ્રી શાહે કહ્યું કે 30 વર્ષ સુધી કોઈપણ વિવાદ વિના પશુપાલકોના હિત અને ચૌધરી સમાજની બહેનોની આજીવિકા માટે વિકાસ સમાન આ દૂધસાગર ડેરીના સંકલ્પને ચરિતાર્થ કરવાનું કામ શ્રી મોતીબાપુએ કર્યું.
શ્રી શાહે જણાવ્યું હતું કે મોતીબાપુના નેતૃત્વમાં દૂધસાગર ડેરીએ અનેક કઠિન પડાવો પાર કર્યા, સહકારી ક્ષેત્રના અગ્રણી ત્રિભોવનકાકા સાથે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉત્પાદન માટે ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્નો શરૂ કર્યા. આ ઉપરાંત આદરણીય મોતીભાઈ ચૌધરી મહેસાણાના સાંસદ, માણસના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી રહ્યા હોવા છતાં અહંકારના એકપણ છાંટા વિના સહકારી ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ માટે એક આદર્શ વ્યક્તિ બન્યા. તેઓએ કહ્યું કે આજે આ મોતીભાઈ ચૌધરી સૈનિક સ્કૂલ ન કેવળ ઉત્તર ગુજરાતના બલ્કે ગુજરાત અને સમગ્ર દેશના બાળકો માટે સેનામાં જવાનો એક ખૂબ ઉત્તમ રસ્તો પૂરો પાડશે અને જે લોકો આ સ્કૂલમાંથી અભ્યાસ કરીને સમાજ જીવનમાં જશે તેમનામાં પણ રાષ્ટ્રભક્તિ અને શિસ્તના સંસ્કારોનું સિંચન થશે.
શ્રી શાહે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળના 9 વર્ષમાં સુરક્ષિત વિકસિત ભારત નિર્માણ અને વિશ્વમાં ગૌરવ અપાવવાની સાથે સાથે મોટા પ્રમાણમાં સહકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સૌ નાગરિકોને વિકાસના આંદોલનમાં જોડવાનું કામ કર્યું, પરિણામે દેશમાં વિકાસની દિન દો ગુની અને રાત ચો ગુની પ્રગતિ થઈ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ભાવિ પેઢીમાં રાષ્ટ્રભાવના બળવતર બને તે માટે સમગ્ર દેશમાં પી.પી.પી. ધોરણે નવી ૧૦૦ જેટલી સૈનિક સ્કૂલ સ્થાપવાનો નિર્ધાર કર્યો છે. આ આકાર પામી રહેલી 20મી પીપીપી મોડેલની સ્કૂલ છે. તેઓએ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આ સંકલ્પને બળ આપવા બદલ દૂધ સાગર ડેરીના ચેરમેન સહિત સંચાલક મંડળને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જળક્રાંતિ સર્જવાનું કામ કર્યું છે. ઉત્તર ગુજરાતનો ઘણો ખરો વિસ્તાર ડાર્ક ઝોનમાં હતો અને તે સમયે કચ્છનું રણ આગળ વધીને સાબરકાંઠા સુધી પહોંચશે તેવી ભીતિ પણ હતી. આ સમયે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જળ સુજલામ સુફલામ, મહીસાગરના પાણી સહિત અનેક યોજનાઓના માધ્યમથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું જેના લીધે ખેતી તો સમૃદ્ધ થઈ અને સાથે સાથે પશુપાલકોની પણ તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ. તેઓએ કહ્યું કે આ આકાર પામી રહેલી સ્કૂલ જ્ઞાન, રક્ષા, બહાદુરી અને દેશભક્તિના આધાર પર નવો પ્રકાશ પાથરવાનું કાર્ય કરશે. આ શાળામાં 2022-23 માં 50 અને 2023- 24માં 55 કેડેટની ભરતી થઈ ચૂકી છે આ ઉપરાંત 10% જગ્યા દીકરીઓ માટે આરક્ષિત પણ રાખવામાં આવી છે. આ પ્રસંગે આદરણીય મોતી બાપુના જીવનને ઉજાગર કરતું “શબ્દ મોતી” પુસ્તકનું વિમોચન પણ શ્રી શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે શ્રી અશોકભાઈ ચૌધરી ના નેતૃત્વમાં દૂધસાગર ડેરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. પાંચ લાખ ખેડૂતોની આજીવિકાનો સ્ત્રોત આ ડેરી બની છે ઉત્તર ગુજરાતના તમામ સમાજના અને તમામ વર્ગોના જીવન સ્તરને ઊંચું લાવવામાં આ ડેરી ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
શ્રી શાહે અંતમાં કહ્યું કે 375 કરોડનો ભાવ વધારો સાથે સાથે મધમાખી ઉછેર, જૈવિક ખેતી, પશુ આરોગ્યની ચિંતા સહિતના આયામો દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહકારથી સમૃદ્ધિ”નો સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આ ડેરી ખૂબ મોટું યોગદાન આપી રહી છે.
આ પ્રસંગે લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્ર રચના અને રાષ્ટ્રહિતને આગળ રાખીને રાષ્ટ્રભાવના બળવતર બને તે માટે સમગ્ર દેશમાં વધુમાં વધુ સૈનિક સ્કૂલોનું નિર્માણ થાય તેવા પ્રયત્નો આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં સંરક્ષણ અને સહકાર સાથે મળીને રાષ્ટ્ર ઘડતરના પ્રકલ્પો સાકાર કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે 360 ડિગ્રી આમૂલચૂર પરિવર્તન થયું છે, ૨ લાખ જેટલી ડેરીઓને સાથે જોડીને દૂધની નિકાસમાં વધારો થઈ રહ્યો છે. શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર આજે દેશમાં અગ્રીમ હરોળ નું બન્યું છે.
શ્રી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો “સહકાર સે સમૃદ્ધિ” નો સંકલ્પ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના સાતત્યપૂર્ણ પ્રયાસોથી દેશ આંતરિક અને બાહ્ય રીતે સુરક્ષિત બન્યો છે જેના પરિણામે દેશની આર્થિક ગતિવિધિઓ સક્ષમ બની છે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના પ્રસંગે દીકરીઓને એક મોટી ભેટ આપી છે આ નિર્માણ થઈ રહેલ સૈનિક સ્કૂલોમાં દીકરીઓ માટે ૧૦ ટકા જગ્યાઓ આરક્ષિત રાખવામાં આવી છે. આ સૈનિક સ્કૂલના પરિણામે રાષ્ટ્ર ભાવના ઉન્નત બનશે અને સાથે સાથે સેનામાં ગુજરાતી યુવાનોનો દબદબો પણ વધશે તેઓ વિશ્વાસ શ્રી પટેલે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી બળવંતસિંહ રાજપુત ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ સાંસદશ્રીઓ શ્રીમતી શારદાબેન પટેલ, શ્રી જુગલભાઈ લોખંડવાલા, ધારાસભ્યશ્રીઓ દૂધસાગર ડેરીના ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી, સંચાલક મંડળના સદસ્યો તથા પશુપાલક ભાઈઓ બહેનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.