ટેન્ડરો ભરાઇને આવી ગયા બાદ ટેન્ડરની શરતોથી વિરૂદ્ધ વધારાની અને જટીલ શરતો સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મૂકવામાં આવતા મહાનગરપાલિકાના મોટાભાગના કામો અટકી પડતા હવે ફરી સ્ટેન્ડીંગ કમિટીએ જ પોતે મૂકેલી શરતો રદ કરીને ટેન્ડરમાં રાખવામાં આવેલી શરતો યથાવત રાખવાની મંજૂરી ગુરૂવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આપવામાં આવશે. આવા કુલ ૬ જેટલા કામોના ટેન્ડરમાં રખાયેલી વધારાની શરતો આખરે દૂર કરવી પડશે.સામાન્ય રીતે કોઇપણ કામ માટે કોન્ટ્રાક્ટર, કંપની કે એજન્સી માટેની જે શરતો હોય તે સામાન્ય રીતે ટેન્ડરમાં જ દર્શાવવાની હોય છે. તેના આધારે જે તે એજન્સી બિડ ભરતી હોય છે અને એલ-૧ બિડ હોય તેને ટેન્ડર અપાતું હોય છે. ટેન્ડરની શરતો આખરી રહેતી હોય છે પરંતુ મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટીએ નવો ચીલો ચાતરીને ટેન્ડર ભરાઇ ગયા પછી, એલ-૧ કોન્ટ્રાક્ટર નક્કી થઇ ગયા પછી ઇરાદાપત્ર આપવાની મંજૂરી વખતે વધારાની શરતો ઉમેરી હતી. જેના કારણે કોન્ટ્રાક્ટરને ટેન્ડરમાં દર્શાવ્યા કરતા વધારાનું આર્થિક ભારણ અને વધારાના સ્પેસિફિકેશન મુજબ કામગીરી કરવી પડે તેમ હતું.
આથી કોન્ટ્રાક્ટરો દ્વારા તેનો સ્વીકાર કરવામાં નહીં આવતા ટેન્ડર મંજૂર થઇ ગયા હોવા છતાં કામો અટકી પડ્યા હતા.ટેન્ડરની મૂળ શરતો અને સ્ટેન્ડીંગ કમિટીએ મૂકેલી વધારાની શરતોમાં વિસંગતતાઓ હોવાથી આખરે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધારાની શરતો દૂર કરી ટેન્ડરની મૂળ શરતોને આધારે આવી એજન્સીઓને ઇરાદાપત્ર આપવાની ભલામણ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ કરવામાં આવી છે. જેને કારણે હવે ગુરૂવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટી દ્વારા અગાઉ મૂકવામાં આવેલી વિવાદાસ્પદ તમામ શરતો દૂર કરવામાં આવશે.