મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કિરીટ પટેલે લખેલી 18 પાનાની સુસાઇડ નોટ સામે આવી છે. ત્યારે કિરીટ પટેલના ભાઇએ પોલીસ પર જ ગંભીર આરોપ લગાવ્યાં છે. મૃતકના ભાઇએ મહેસાણા SP અને PSI પર ગંભીર આરોપ લગાવ્યાં છે. આત્મહત્યા પાછળ ષડયંત્ર રચાયું હોવાનો આરોપ છે. એટલું જ નહીં કિરીટ પટેલની આત્મહત્યા નહીં પણ માનવ વધ હોવાનો પણ આરોપ છે. સાથે જ દાવો છે કે કિરીટ પટેલના ઘરમાંથી સ્ફોટક પુરાવા મળી આવ્યાં છે. જે સમય આવે રજૂ કરવામાં આવશે.મહત્વનું છે કે 2.40 કરોડ રૂપિયા ફસાઈ જતા કિરીટ પટેલે આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. 5 શખ્સોની ટોળકીએ ઠગાઈ કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. નિલેશ ત્રિવેદી, હરીશ ગુપ્તા, અભિષેક શુકલા, કૃપા શુકલા અને અમી જોશીએ છેતરપિંડી કરતા આપઘાત કર્યો હોવાનો આરોપ છે. તો છેતરપિંડીના કેસમાં મહેસાણા પોલીસે યોગ્ય તપાસ નહીં કરતી હોવાનો પણ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સુસાઇડ નોટમાં ઉલ્લેખ પ્રમાણે વિધાનસસભાની ચૂંટણી પૂર્વે કિરીટ પટેલને કેન્દ્રીય મંત્રીને મળાવ્યા હોવાનો કિરીટ પટેલના ભાઈએ દાવો કર્યો છે. આ મુલાકાતના ફોટો પણ ઉપલબ્ધ હોવાની વિગતો છે, દિલ્હી મુલાકાતોની તારીખ સહિત વિગતોનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. સાથે જ વિધાનસભાની ટિકિટ આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પેટે કિરીટ પટેલે એડવાન્સ ચેક પણ લીધા હતા. ચેક પરત ફરતા કિરીટ પટેલે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આત્મહત્યાના 14 કલાક પૂર્વે જ કોર્ટમાં મુદત પણ હતી. મુદતના દિવસે 5 પૈકી 3 આરોપીઓને કિરીટ પટેલ રૂબરૂ મળ્યા હતા. મુદત બાદ કિરીટ પટેલે ઘરે આવી આપઘાત કરી લીધો હતો.