અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલનું નામ સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે મોકલવામાં આવ્યું. ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નવ દિવસના કાર્યકાળ બાદ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ફેબ્રુઆરી માસના અંતમાં વયનિવૃત થતા જગ્યા ખાલી પડી હતી, ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના મોસ્ટ સિનિયર ન્યાયમૂર્તિ એજે દેસાઈ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા. ચાર મહિના જેટલા સમય એક્ટિંગ ચીફ જસ્ટિસ થયા બાદ હવે સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા કેન્દ્ર સરકારને કેટલીક ભલામણો કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ખાલી પડેલી મુખ્ય ન્યાયમૂર્તિની જગ્યા માટે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું નામની ભલામણ મોકલવામાં આવી છે. તેની સાથે સાથે જ હાલના ગુજરાતના એક્ટિંગ ચીફ જસ્ટીસ એ જે દેસાઈના નામની ભલામણ કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પણ મોકલવામાં આવી છે. કોલેજીયમે મોકલેલી ભલામણો ઉપર કેન્દ્ર સરકારનું કાયદા વિભાગ નિર્ણય લેશે. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટને બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળશે કે જેઓ દેશની તમામ હાઇકોર્ટના એક માત્ર મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ હશે. જસ્ટિસ સુનિતા અગ્રવાલ હાલ અલાહાબાદ હાઇકોર્ટમાં મોસ્ટ સિનિયર ન્યાયાધીશ છે. આ ઉપરાંત તેમને ન્યાયાધીશ તરીકેનો 11 વર્ષનો બહોળો અનુભવ પણ છે. સુનીતા અગ્રવાલનો કાર્યકાળ વર્ષ 2028માં સમાપ્ત થશે કે જ્યારે તેઓ વયનિવૃત્ત થશે. અગાઉ ગુજરાત હાઇકોર્ટને પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણી મળ્યા હતા કે જેઓ ટૂંકા સમય માટે પણ કાયમી મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા હવે સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે.