ગુડા પોતાના ચાર પ્લોટની હરાજીમાં વાવોલના ત્રણમાંથી બે પ્લોટની હરાજી રદ કરવામાં આવી છે. વાવોલના એક પ્લોટની તળિયાની કિંમત કરતા રૂપિયા ૨૦૦ અને બીજા પ્લોટમાં રૂપિયા ૪૦૦ વધારે બોલી બોલાઇ હતી. જાેકે એક પ્લોટની હરાજીમાં માત્ર એક જ બોલી અને બીજા પ્લોટની હરાજીમાં માત્ર બે જ બોલી બોલાઇ હતી. આથી ગુડાને વાવોલના બે પ્લોટની હરાજીમાં આર્થિક નુકશાન થાય નહી તે માટે અધિકારીઓએ બે પ્લોટની હરાજીને રદ કરી છે. આથી વાવોલના બે તેમજ સરગાસણના એક પ્લોટની હરાજી આગામી સમયમાં પુનઃ કરવામાં આવશે. જાેકે ગુડાના વાવોલના આ બે પ્લોટની હરાજી અંગે રીંગ થઇ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. આથી આ બે પ્લોટની હરાજી રદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના ઘટતા જતા વિસ્તાર અને કામગીરીની સીધી અસર આવક ઉપર પડી છે. ગુડાની આવક ઘટતા બાકીના વિસ્તારોમાં વિકાસના કામોને વેગ ઉપર ઓટ આવી છે. ત્યારે વિસ્તારમાં વિકાસના કામો કરવા ગુડા પોતાના ચાર પ્લોટની હરાજી કરવાનું નક્કી કર્યું હતું. તેમાં સરગાસણનો એક અને વાવોલના ત્રણ પ્લોટની હરાજી માટે તળિયાની કિંમત નક્કી કરીને ગુડાએ બિડરો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. ઓનલાઇન આવેલી અરજીઓના આધારે ગત તારીખ ૨૩મી, જૂન-૨૦૨૩ના રોજ ઓનલાઇન હરાજી યોજવામાં આવી હતી. સરગાસણ ટીપી નંબર-૭નો ફાઇનલ પ્લોટ નંબર-૧૮૮ની હરાજીમાં માત્ર એક જ બિડરે અરજી કરી હોવાથી તેેની હરાજી રદ કરી હતી. જ્યારે વાવોલના ત્રણ પ્લોટની હરાજી કરવામાં આવી હતી.
તેમાં ગુડાની ટીપી નંબર-૧૩નો ફાઇનલ પ્લોટ નંબર-૨૮૫ના ૩૧૧૨ ક્ષેત્રફળવાળા પ્લોટની તળિયાની કિંમત રૂપિયા ૩૫૦૦૦ રાખી હતી. જ્યારે તેની હરાજીમાં પાંચ બિડરોએ ભાગ લીધો હોવા છતાં માત્ર એક જ બોલી બોલાઇને હરાજી પૂર્ણ કરી હતી. આથી આ પ્લોટની પ્રતિ ચો.મી. રૂપિયા ૩૫૨૦૦માં ઓપન હરાજીથી વેચાણ થયું હતું. તેજ રીતે ટીપી નંબર-૧૩ના ફાઇનલ પ્લોટ નંબર-૩૨૦ના ૪૫૭૮ ક્ષેત્રફળવાળા પ્લોટની તળિયાની કિંમત રૂપિયા ૨૯૦૦૦ રાખી હતી. જ્યારે તેની હરાજીમાં છ બિડરોએ ભાગ લીધો હોવા છતાં માત્ર બે જ બોલી બોલીને પ્લોટનું પ્રતિ ચો.મી. રૂપિયા ૨૯૪૦૦માં ઓપન હરાજીથી વેચાણ થયું હતું. આથી ઉપરોક્ત બે પ્લોટમાંથી એક પ્લોટની તળિયાની કિંમત કરતા વધુ માત્ર રૂપિયા ૨૦૦ અને બીજા પ્લોટની તળિયાની કિંમત કરતા વધુ માત્ર રૂપિયા ૪૦૦ વધારે આવ્યા હતા. આથી ગુડાને વાવોલના ઉપરોક્ત બે પ્લોટની હરાજીની ગુડાના અધિકારીઓએ તપાસ કરતા ગુડાને આર્થિક નુકશાન થતું હોવાથી તેની હરાજીને રદ કરવાનો ગુડાએ ર્નિણય લીધો હોવાનું ગુડાના વહિવટી અધિકારી વી.જે.શાહે જણાવ્યું છે.