વધતા જતા શાકભાજીના ભાવો વચ્ચે હવે સુરતમાં બટેકાની ચોરીની ઘટના સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં અજાણ્યા શખ્સો રુપિયા 17 હજારની કિંમતના 17 કટ્ટા બટેકાની ચોરી કરી ફરાર થયા હતા. તો બીજી તરફ ચોરીની ઘટના અંગે દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધવી છે.સુરતના મોટા વરાછા માતૃશ્રી ફાર્મ પાસે રહેતા કેશવલાલ દેવજીભાઈ પટેલ શાકભાજીના વેપારી છે અને તેઓ મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપ, એ.બી.સી. સર્કલ પાસે શાકભાજીનો વેપાર કરે છે. કેશવલાલે ગત 30 જૂને 50 કિલોના એક કટ્ટા એવા કુલ 45 કટ્ટા બટેકાની ખરીદી કરી હતી અને ગત 3 જુલાઈના રોજ 43 કટ્ટા બટેકા દુકાનની બહાર રાખીને ઘરે ગયા હતા.બીજા દિવસે વહેલી સવારે બાજુમાં પાનનો ગલ્લો ચલાવતા પંડિતે ફોન કરીને માલ ચોરી થયો હોવાની કેશવલાલને જાણ કરી હતી. જેથી તેઓએ દુકાને આવીને તપાસ કરતા 17 હજારની કિમતના 17 કટ્ટા બટેકાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે કેશવલાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉત્રાણ પોલીસે તપાસ કરતા એક શંકાસ્પદ રીક્ષા સીસીટીવીમાં નજરે પડી હતી. તેથી આ મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.કેશવલાલના પુત્ર હિરેને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં અમારી શાકભાજીની હોલસેલની દુકાન છે. અમે ડીસાથી 30 જૂને 45 કટ્ટા બટેકાની ખરીદી કરીને દુકાનની બહાર મુક્યા હતા. જેમાંથી 17 કટ્ટા બટેકાની ચોરી થઇ છે. એક કટ્ટાની કિંમત 1 હજાર રૂપિયા છે. આમ, રુપિયા 17 હજારની કિંમતના 17 કટ્ટા બટેકાની ચોરી થઇ છે.વધુમાં કેશવલાલના પુત્ર હિરેને જણાવ્યું હતું કે ચોરી અંગે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમારી વિનંતી છે કે આવા તસ્કરોને ઝડપથી પકડવામાં આવે. મહત્વનું છે કે સુરતમાં લોકોના ઘર કે ઓફીસમાંથી કીંમતી માલ-સામાનની ચોરી થતી હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે ત્યારે હવે સુરતમાં બટેકાની ચોરી થઇ હોવાની ઘટના પણ સામે આવતા ચકચાર મચી છે.