દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવતા રહે છે, જેમાં ઘણી વાર અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે તો ઘણીવાર પ્રેમ પ્રસંગોમાં કોઈનો જીવ લઈ લેવામાં આવતો હોય છે, તો ઘણી વાર પતિ પત્નીના ઝઘડા પણ હત્યાનું કારણ બનતાં હોય છે. પરંતુ હાલ જે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના નાનાપાડા નજીક હત્યાની ઘટના સામે આવી છે તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના છે અને આ હત્યાને પગલે આજુબાજુના વિસ્તારોમાં આ હત્યાને પગલે ભારે ચકચાર પણ મચી જવા પામી છે. વઘઈ – સાપુતારા જાહેર માર્ગ ઉપર ધોળા દિવસે પુર્વ પતિએ છુટાછેડા થયેલ પત્ની ઉપર ધારીયા વડે હુમલો કરી કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી છે. છૂટાછેડા બાદ પૂર્વ પત્નિએ બીજા લગ્ન કરતા યુવકની સહનશક્તિએ બંડ પોકાર્યો હતો અને આખરે પૂર્વ પતિના હાથે જ પત્નીને મોત મળ્યું. ના કરવાનું કૃત્ય કરી દેતા યુવકની ધરપકડ થઈ છે. વઘઇ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વઘઈ તાલુકાના બોરપાડા ગામના જ્યોતિ બેન રમેશભાઈ ગાયકવાડ ઉંમર વર્ષ/૩૫ જેઓના પ્રથમ લગ્ન લહાન દાબદર તાલુકા વઘઇ જીલ્લો ડાંગ ના રહેવાસી વિજયભાઇ મંગુભાઈ ધુમ સાથે થયેલ હતાં. તેમનો પુર્વ પતિ વિજયભાઈ તેણીને ખુબ મારઝુડ કરતો હોય તેનાથી કંટાળી જઈ જ્યોતિબેને ત્રણ ચાર માસ પહેલા પંચોની સમક્ષ (સમાજ રાહે) છુટાછેડા લીધા હતા અને બીજા લગ્ન પ્રવિણભાઈ રાજેશ ભાઈ ગવળી (ઉંમર વર્ષ ૩૭) સાથે એક માસ પહેલા લગ્ન કર્યા હતા. જ્યોતિ બીજા લગ્ન કરનાર પતિ સાથે ગુંદવહળ મુકામે પોતાનું જીવન ગુજારતા હતા. તારીખ 7 જુલાઈના રોજ બીજા પતિ પ્રવિણભાઈ સાથે જ્યોતિબેન ખરીદી કરી તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં વરસાદ વધારે હોય તેઓ પ્રવિણભાઈની નાની બહેન સાનુબેન ગવળીના ઘરે રોકાયા ગયા હતા. બીજા દિવસે સવારે સાડા સાત પોણા આઠ વાગ્યાના સુમારે પ્રવિણભાઈ અને બીજા પત્ની તરીકે જ્યોતિબેન ગુંદવહળ ગામે જવા નિકળ્યા હતા અને સવારે આઠ વાગ્યેની આસપાસ વઘઇ તાલુકાના નાનાપાડા ગામની દુધ ડેરી નજીક આરોપી પ્રથમ પતિ વિજયે પાછળથી આવી પ્રવિણભાઈની બાઈક આગળ તેની બાઈક આડી કરી હતી. પ્રવિણે ગભરાઈને જોરથી બ્રેક મારી દીધી હતી અને વિજયભાઇ પ્રવિણભાઈની નજીક આવતા તેઓને જાણ થઈ હતી કે જ્યોતિનો પૂર્વ પતિ છે અને નજીક આવી કંઈ પણ બોલ્યા વગર વિજયે પોતાના ખભેથી કાળા કલરની બેગમાંથી હાથા વગરનું ધારીયુ કાઢી પત્ની જ્યોતિ બહેનના ઉપર અચાનક હુમલો કર્યો હતો. તેણે જ્યોતિબેનના હાથનું કાંડુ કાપી ફરી બીજો ઘા તેના ચહેરા ઉપર માર્યો હતો. જેમાં જ્યોતિનો ચહેરો નાકથી ગળા સુધી કપાઈ જતાં જ્યોતિબેન જમીન ઉપર ફસડાઈ ગયા હતા અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતાં બેભાન થઈ ગયા હતા. પ્રવિણભાઈએ તેમની બીજી પત્ની તરીકે જ્યોતિને બચાવવા માટે આજુબાજુ પથ્થરો શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પથ્થર ન મળતાં પુર્વ પતિ વિજયે પોતાની પાસેનુ ધારીયુ પોતાની કાળા કલરની બેગમાં મુકી પોતાની બાઇક ઉપર બેસી નાસી છુટયો હતો. વિજય નાસી છુટયા બાદ બીજા પતિ પ્રવિણે જ્યોતિને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જ્યોતિએ આંખ ના ખોલતાં પ્રવિણભાઈએ બુમાબુમ કરતા નાનાપાડા ગામના લોકો દોડી આવ્યા હતા. તબીબી સારવાર મળે તે પહેલા જ્યોતિનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. આ ઘટનાની જાણ વઘઇ પોલીસને થતાં તાત્કાલિક વઘઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પી. એમ. કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને આરોપી વિજય ધુમને પકડી પાડ્યો હતો. હત્યાને પગલે જ્યોતિના બીજા પતિ પ્રવિણ ગવળીએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. વિજય જ્યોતિને વારંવાર મારઝૂડ સાથે શારીરિક માનસિક ત્રાસ આપવાના કારણે જ્યોતિએ છુટાછેડા માંગ્યા હતા અને પંચો સમક્ષ (સમાજ રાહે) છુટાછેડા લઈ એક માસ બાદ તેમણે પ્રવિણ સાથે લગ્ન કર્યા હતા. જે બાબત આરોપી વિજયને ન ગમતાં અવારનવાર જ્યોતિ સાથે ઝઘડાઓ કરી મારઝુડ કરતો અને જતો રહેતો હતો. ત્યાર બાદ આઠ દિવસ પહેલા વિજય જયોતિ સાથેના છોકરાઓ લઈ પ્રવિણના ઘરે મુકવા આવ્યો હતો અને મુકીને જતો રહ્યો હતો અને બીજા દિવસે ફરી પ્રવિણના ઘરે વિજય પહોંચી પત્ની જ્યોતિ સાથે ઝઘડો કર્યો હતો અને પત્ની જ્યોતિને ઝઘડો કરી બોલાચાલી કરી ધમકાવી હતી. તે પ્રવિણ સાથે કેમ લગ્ન કર્યા છે તુ આને છોડી દે અને મારી સાથે આવી જા નહીં તો તને મારી નાંખીશ આ વાત જ્યોતિએ પ્રવિણને કરી હતી અને આ બાબતનો ગુસ્સો રાખી વિજયે જ્યોતિની હત્યા કરી નાંખી હતી.