નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં નિર્માણ પામશે પી.એમ. મિત્ર પાર્ક: આશરે ૧ લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે

Spread the love

ભારતીય કાપડ ઉદ્યોગ એ ઉત્પાદન ક્ષમતા તેમજ રો-મટિરિયલ બેઝ્ડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ટેક્નોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ મેગા પ્રોજેક્ટનું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્નને મૂર્ત સ્વરૂપ આપવા દેશના સાત રાજ્યોમાં ‘પી.એમ. મિત્ર પાર્ક’ સ્થાપી કાપડ ઉદ્યોગને લાર્જ સ્કેલ બનાવવા, વૈશ્વિક કાપડ બજારમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા, ગુણવત્તાયુક્ત સ્પર્ધાત્મક વાતાવરણ પૂરૂ પાડવા અને મોટા પાયે વિશ્વ કક્ષાની સંકલિત ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવવા માટે કમર કસી છે.


વડાપ્રધાનશ્રીએ ગુજરાતના નવસારી જિલ્લા સહિત દેશના સાત રાજ્યોમાં ટેક્ષ્ટાઈલ પાર્ક નિર્માણ કરવાની મંજૂરી આપી દીધી છે. આગામી તા.૧૩મી જુલાઈએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રત્યક્ષ અને વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે ગુજરાતમાં પાર્ક નિર્માણના એમ.ઓ.યુ. થશે. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે ૧૧૪૧ એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. આ પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ સિદ્ધ કરશે. પી એમ મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. ગુજરાતમાં એક માત્ર નવસારીના વાંસીબોરસી ખાતે નિર્માણ પામનાર પી એમ મિત્ર પાર્કથી ૧ લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.

*પી એમ મિત્ર મેગા ટેક્ષ્ટાઈલ પાર્ક યોજના શું છે?*
. . . . . . . . . . . . . . . . . .
કેન્દ્રીય કાપડ મંત્રાલયે ગુજરાતના નવસારીના વાંસી બોરસી સહિત સાત રાજ્યોમાં સાત પી.એમ. મિત્ર પાર્ક મંજૂર કર્યા છે. રૂ.૪૪૪૫ કરોડના ખર્ચે દેશના ૭ રાજ્યોમાં પ્રત્યેકમાં એક એવા કુલ ૭ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) પાર્ક્સ સાકાર કરવામાં આવશે. અહીં કોટન ટુ થ્રેડ, થ્રેડ ટુ ગારમેન્ટ મેન્યુફેક્ચરીંગ અને ફિનિશ્ડ ગારમેન્ટનું વેચાણ અને નિકાસ એક જ જગ્યાથી કરવામાં આવશે, જે વડાપ્રધાનશ્રીના 5F વિઝન (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન)ને સાકાર કરવામાં સહાયરૂપ થશે. આ પાર્ક્સ ભારતને સંયુક્ત રાષ્ટ્રના ૯ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવામાં સહાયક બનશે.
વડાપ્રધાનશ્રી હંમેશા સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ટકાઉ ઔદ્યોગિકીકરણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા હરહંમેશ પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે પીએમ મિત્ર પાર્કમાં વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ‘કટીંગ એજ ટેક્નોલોજી’ને આકર્ષિત કરશે અને ટેક્ષ્ટાઈલ સેક્ટરમાં સીધા વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) અને સ્થાનિક રોકાણને વેગ આપશે. આ યોજના કાપડના વૈશ્વિક બજારમાં ભારતને મજબૂત સ્થાન અપાવશે.

*વાંસી બોરસી પાર્ક માટે ઉદ્યોગકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ: છ ગણી જમીનની માંગ કરી*
. . . . . . . . . . . . . . . . . .
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GIDC)ના નિમંત્રણને ઉદ્યોગકારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. પાર્કના કુલ ફાળવણીપાત્ર વિસ્તાર સામે GIDCને છ ગણી માંગ મળી છે. એટલે કે હાલ લગભગ ૬૦૦ એકર ફાળવણીપાત્ર વિસ્તાર સામે ૩૬૦૦ એકર જમીનની માંગણી કરતી પ્રપોઝલ મળી છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા GIDCને ટોકન દરે પાર્ક માટે જમીન ફાળવવામાં આવી છે.

*આત્મનિર્ભર ભારતના વિઝનને પરિપૂર્ણ કરશે પી એમ મિત્ર પાર્ક*
. . . . . . . . . . . . . . . . . .
PM મિત્ર યોજના વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવા અને કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે. મિત્ર પાર્ક એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનાવશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે.
કેન્દ્રીય કાપડ મંત્રાલયે પાર્ક માટેની સાઈટ્સની પસંદગી ઉચ્ચ માપદંડોના આધારે કરી છે. દેશના ૧૮ રાજ્યોએ ટેક્ષ્ટાઈલ પાર્ક સ્થાપવા માટે દરખાસ્તો મોકલી હતી, જેમાં ૧૦૦૦ થી વધુ એકરની સંલગ્ન અને બોજમુક્ત જમીનની ઉપલબ્ધતા, રોડ અને રેલ કનેક્ટિવિટી, ઉપલબ્ધ ઈકોસિસ્ટમ, રાજ્ય સરકારની ટેક્ષ્ટાઈલ અને ઉદ્યોગ નીતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી સુવિધાઓ, અને પી.એમ. ગતિશક્તિ યોજનાનું અમલીકરણ જેવા માપદંડોને ધ્યાને રાખી ૧૮ માંથી ૭ રાજ્યની દરખાસ્તોને સ્વીકારવામાં આવી હતી. જેમાં પસંદગી પામેલા સાત રાજ્યો તમિલનાડુ(વિરૂધુનગર), તેલંગાણા(વારંગલ), ગુજરાત(નવસારી), કર્ણાટક(કાલાબુર્ગી), મધ્યપ્રદેશ(ધાર), ઉત્તરપ્રદેશ(લખનૌ) અને મહારાષ્ટ્ર(અમરાવતી)માં પાર્ક સાકાર થશે.

*પ્રત્યેક પાર્કમાં રૂ.૧૦ હજાર કરોડનું રોકાણ થશે*
. . . . . . . . . . . . . . . . . .
પી.એમ. મિત્ર પાર્ક સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્યો JV- જોઈન્ટ વેન્ચર મોડ અને SPVs- સ્પેશ્યલ પર્પઝ વેહિકલ મોડમાં કામ કરશે. રાજ્ય સરકાર ૫૧ ટકા અને કેન્દ્ર સરકાર ૪૯ ટકા ઈક્વિટીનો હિસ્સો આપશે. કાપડ ઉદ્યોગકારો પ્રત્યેક પાર્કમાં રૂ.૧૦ હજાર કરોડનું રોકાણ કરવા આકર્ષાશે.
‘PM મિત્ર’ પાર્કને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડમાં વિકસાવવામાં આવશે, જેની માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકારોની હશે. દરેક પાર્કમાં ઈન્ક્યુબેશન સેન્ટર, કોમન પ્રોસેસિંગ હાઉસ અને કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય ટેક્ષ્ટાઈલ સંબંધિત સુવિધાઓ જેમ કે ડિઝાઈન સેન્ટર્સ અને ટેસ્ટિંગ સેન્ટર્સ હશે.
ઈન્ક્યુબેશન સેન્ટર એ એક સંસ્થા છે જે ઉદ્યોગસાહસિકોને તેમનો વ્યવસાય વિકસાવવામાં અને તેનાથી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરે છે, ખાસ કરીને પ્રારંભિક તબક્કામાં વ્યવસાય અને તકનીકી સેવાઓની શ્રેણી, પ્રારંભિક નાણાભંડોળ, પ્રયોગશાળા સુવિધાઓ, માર્ગદર્શકો, અને નેટવર્ક્સ ઉપલબ્ધ કરાવે છે.
આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પ્રત્યેક ગ્રીનફિલ્ડ ‘મિત્ર’ પાર્ક માટે રૂ.૮૦૦ કરોડ અને દરેક બ્રાઉનફિલ્ડ પાર્ક માટે રૂ.૫૦૦ કરોડની વિકાસ મૂડીની સહાય પૂરી પાડશે. ગ્રીનફિલ્ડ એટલે સંપૂર્ણપણે નવા શરૂ થતા પ્રોજેક્ટ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ એટલે જેના પર કામ શરૂ થઈ ચૂક્યું છે.

*સુરત સહિત રાજ્યના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને નવી ગતિ અને ઉર્જા મળશે: SGCCI પ્રમુખશ્રી રમેશભાઈ વઘાસિયા*
. . . . . . . . . . . . . . . . . . . . .
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી રમેશભાઈ વઘાસિયાએ જણાવ્યું કે, ભારતના કુલ MMF (મેનમેડ ફાઈબર) કાપડની નિકાસમાં સુરતના કાપડ ઉદ્યોગનો ફાળો ૫ ટકા છે. સુરતમાં શિફોન, જ્યોર્જેટ, ક્રેવ, કોટન. લિનન જેવી કાપડની વેરાયટીનું ઉત્પાદન થાય છે. ભારતનું ૬૫ ટકા MMF (મેનમેડ ફાઈબર) કાપડ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બને છે. સુરતમાં ૧.૫૦ લાખ એમ્બ્રોઈડરી મશીન, ૨૦ હજાર રેપિયર મશીન તેમજ ૬.૧૫ લાખ પાવરલુમ્સ યુનિટ છે. કુલ અંદાજિત ૧૫ લાખ લોકોને રોજગારી આપતા સુરતના કાપડ ઉદ્યોગમાં એકલી પાવરલૂમ ઈન્ડસ્ટ્રીમાં જ ચાર લાખ કારીગરો કામ કરી રહ્યાં છે. સુરતની ૨.૫૦ લાખ મહિલાઓ ઘરેબેઠા ટીકી- સ્ટોન વર્ક, ભરતકામ, લેસ કટિંગ અને મેકિંગ, સિલાઈકામ જેવા વિવિધ પ્રકારના જોબવર્ક કરી રોજગારી મેળવી રહી છે અને પરિવારને આર્થિક ટેકો આપી રહી છે.
આ ઉપરાંત તેઓ કહે છે કે, સુરતમાં ૬૦ હજાર વોટરજેટ યુનિટ પર દૈનિક ૧.૮૦ કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે વાર્ષિક રૂ.૨૭,૯૫૦ કરોડનું કાપડ માત્ર વોટરજેટ યુનિટ પર બને છે. જ્યારે ૬,૧૫,૦૦૦ પાવરલૂમ મશીનો પર વાર્ષિક ૬૦,૦૦૦ કરોડનું કાપડ દૈનિક ૨.૬૦ કરોડ મીટર કાપડ ઉત્પાદિત કરવામાં આવે છે. સુરતમાં આવેલા ૧૫૦૦ એરજેટ મશીન પર વાર્ષિક રૂ.૪,૯૦૦ કરોડનું ૨૭ કરોડ મીટર ડેનિમ કાપડ અને રૂ.૭૦૦ કરોડનું લિનન કાપડ બનાવવામાં આવે છે.
સુરતનો કાપડ ઉદ્યોગ સફળ થવાના ત્રણ કારણોમાં એન્ટરપ્રિન્યોરશિપ (ઉદ્યોગ સાહસિકતા), ઈનોવેશન(નવીનીકરણ) અને ઈઝીલી એડોપ્શન ઓફ ન્યુ ટેકનોલોજી (નવી ટેકનોલોજીને સરળતાથી અપનાવી લેવી) છે એમ જણાવતાશ્રી રમેશભાઈ વઘાસિયાએ ઉમેર્યું કે, સુરત આસપાસના ૪૫ કિલોમીટરની ત્રિજ્યામાં યાર્ન ઉત્પાદન, ડાઈંગ, પ્રિન્ટીંગ, એમ્બ્રોઈડરી સહિત મેનપાવરનું સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું છે. સુરત વેલ્યુ એડિશનમાં પ્રખ્યાત છે. જે કાપડ લક્ઝરી લાગતું હતું એને સુરતે વેલ્યુ એડિશન થકી અફોર્ડેબલ બનાવ્યું છે.
શ્રી વઘાસિયાએ કહ્યું કે, દક્ષિણ ગુજરાતનું સુરત શહેર ટેક્ષ્ટાઈલ ઉદ્યોગનું હબ છે, જેથી રાજ્ય સરકારે ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંલગ્ન સુવિધાઓ ધરાવતા નવસારી જિલ્લાના વાંસી બોરસી પર પસંદગી ઉતારી આ સ્થળે પાર્ક સ્થાપવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી જે સરાહનીય કદમ સાબિત થવાનું છે. આગામી દિવસોમાં અહીં પાર્ક સાકાર થતા ગુજરાતનું નવસારી તેમજ વાંસી બોરસી ટેક્ષ્ટાઈલ તેમજ ઉદ્યોગ ક્ષેત્રમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે. સાથોસાથ સુરત સહિત રાજ્યના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને નવી ગતિ અને ઉર્જા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com