આગામી 21 નવેમ્બર 2023થી ડાયમંડ બુર્સમાં શુભારંભ થશે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સ બિલ્ડિંગને ખુલ્લું મુકાઇ શકે છે. અગાઉ 190 હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે. સુરત શહેરના ખજોદ સુરત ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ બુર્સમાં 21 નવેમ્બર 2023થી સુરત અને મુંબઈની વધુ 160 ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ દર્શાવી છે. એ સાથે કુલ 350 કંપનીઓએ 21 નવેમ્બરથી હીરાનો વેપાર શરૂ કરવાની તૈયારીઓ કરી છે. ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વધુ 160 કંપનીઓએ વેપાર શરૂ કરવા લેખિત સહમતિ મોકલી છે. 350 કંપનીઓ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે. ત્રણ દિવસમાં અન્ય બીજી કંપનીઓએ પણ સહમતિ પત્રો મોકલવા જણાવ્યું છે, એ જોતાં ત્રણ દિવસ પછી ત્રીજી યાદી જાહેર કરીશું. અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચુક્યા છે. આગામી 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન અને અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે.સુરતમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાની તૈયારીમાં છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3000 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે. અત્યારે 350 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એસડીબીના અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, 21 નવેમ્બરથી માત્ર હીરાના વેપારીઓની ઓફિસોની સાથે, સેફ ડિપોઝીટ વોલ્ટ, કસ્ટમઝોન, બેન્ક, અને રેસ્ટોરન્ટની સુવિધાઓ પણ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીએ અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી દાખવી છે. અમૂલ પણ અહીં આઉટલેટ શરૂ કરે એવી શક્યતા છે.