બોટાદ ભાજપના જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખી તેમના મત વિસ્તારમાં કામ ન થતાં હોવાની ફરિયાદ કરી છે. હંસાબેન ભરતભાઈ મેર દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે બરવાળા તાલુકાના 2019માં મંજુર થયેલા અને તૂટી ગયેલા રોડનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં લખવામાં આવ્યા મુજબ, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડીયાળીથી ઢાઢોદર સુધી રોડ (અંદાજીત 9 કિમી) તેમજ ચોકડીથી નભોઈપીપરિયા સુધીનો રોડ (અંદાજે 9 કિમી) આ બંને રોડ 2019માં મંજૂર થયા હતા. આ રોડ ઉપર 6 થી 7 નાળા તેમજ કોઝવે આવેલા હોઈ જે તૂટી ગયા હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા તેમજ સંકલનમાં અવારનવાર લેખિત તેમજ મૌખિક રજુઆત બાદ કામ ન થતું હોવાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ભાજપના જ ચેરમેન દ્વારા પોતાના મત વિસ્તારમાં કામ ન થતા હોય જેને લઈ મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે.