પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ દ્વારા આગામી શ્રાવણ મહિનામાં અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે. મોરારી બાપુ શ્રાવણ મહિના દરમિયાનના 18 દિવસ રેલવે યાત્રા કરીને 12 જ્યોતિર્લિંગ પહોંચશે અને જ્યાં રામકથા યોજશે. શ્રાવણમાં તેઓની આ રેલ યાત્રા ઐતિહાસિક હશે અને આ માટે તૈયારી કરી લેવામાં આવી છે. પ્રથમ કથાનુ આયોજન કેદારનાથમાં કરવામાં આવ્યુ છે. ત્યારબાદ ઋષિકેશથી મોરારી બાપુની ટ્રેન સફર શરુ થશે. તેમની સાથે 1008 ભક્તો પણ જોડાશે. ઋષિકેશથી શરુ થયેલી રેલવે યાત્રા 18 દિવસના પ્રવાસ બાદ ગુજરાત પહોંચશે. 8 રાજ્યોમાં રેલવે યાત્રાનો પ્રવાસ કરવા દરમિયાન 3 પવિત્ર પ્રસિદ્ધ યાત્રાધામોના દર્શન કરવામાં આવશે. જેમાં તિરુપતિ બાલાજીમાં મોરારી બાપુ અને ભક્તો દર્શન કરશે. અસાધારણ આધ્યાત્મિક મહિમા યાત્રા માટે ખાસ વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે.પવિત્ર કેદારનાથ ધામ ખાતે આગામી 22 જુલાઈએ પ્રથમ રામકથાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં તેઓએ પ્રથમ કથા યોજ્યા બાદ 23 જુલાઈએ ઋષિકેશથી વિશેષ ટ્રેન યાત્રા શરુ કરશે. તેમની સાથે ટ્રેનમાં ભક્તો પણ જોડાશે અને કેદારનાથ બાદ તેઓ ઉત્તરપ્રદેશમાં આવેલ વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર પહંચશે. જ્યાં મોરારી બાપુ દ્વારા બીજા રામકથા યાત્રા દરમિયાન યોજવામાં આવશે. અભૂતપૂર્વ આધ્યાત્મિક યાત્રા શરુ થયાના 18 દિવસ બાદ ગુજરાત પહોંચશે. અહીં બાપુના ગામ તલગાજરડામાં યાત્રા સમાપ્ત થશે. બાપુ દ્વારા યાત્રા દરમિયાન 12 જ્યોતિર્લિંગ મંદિર ખાતે રામકથા યોજવામાં આવશે. બાપુ દ્વારા અવિરતપણે ભગવાન શ્રી રામના ઉપદેશોનો ફેલાવો કરવામાં આવશે. મોરારી બાપુ દ્વારા રામચરિત માનસના ઉપદેશો જે તેમનામાં ઉંડે સુધી વણાયેલા છે, જેનો લાભ ભક્તોને જ્યોતિર્લિંગો પર આયોજીત કથામાં મળશે. 1008 શ્રદ્ધાળુઓ મોરારી બાપુની આ ઐતિહાસિક યાત્રામાં સફર કરશે. આ માટે કૈલાશ ભારત ગૌરવ યાત્રા અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ટ્રેનની બહાર 12 જ્યોતિર્લિંગ, તિરુપતિ બાલાજી મંદિર, સનાતન ધર્મના મુખ્ય ધામ અને તલગાજરડાના દ્રશ્યો શણગારવામાં આવ્યા છે. આ બંને ટ્રેન મારફતે 12 હજાર કિલોમીટરની યાત્રા 18 દિવસ દરમિયાન યોજવામાં આવશે.