અમદાવાદ શહેરમાં આપઘાતના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે શહેરના વેજલપુરમાં રહેતી અને સ્પામાં કામ કરતી નાગાલેન્ડની યુવતીએ અગમ્ય કારણોસર પંખે લટકીને આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વેજલપુરમાં સ્પામાં નોકરી કરતી યુવતીએ પંખાથી લટકી આત્મહત્યા કરી હતી. જો કે તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે મામલે હજી કોઈ સ્પષ્ટતા થઇ નથી. વેજલપુર પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે, 26 વર્ષીય કીટોલીએ પંખે લટકી આત્મહત્યા કરતા તેનો પરિવારમાં સન્નાટો છવાઈ ગયો. તે સિંધુભવન રોડ ઉપર આવેલા સ્પામાં નોકરી કરતી હતી. પોલીસે તેની બહેન સાથે કરેલી પૂછતાછમાં જાણ્યું કે કીટોલી અમિત નામના યુવક સાથે પ્રેમ સબંધ હતા. જો કે પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ ન મળતા હજી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે કીટોલીના મોત મુદ્દે જરૂરી કાર્યવાહી કરી લાશને પી.એમ કરવા માટે વી.એસ. હોસ્પીટલ ખાતે મોકલી આપેલી હતી. કાકાએ કીટોલીના માતા પિતાને લાશનો કબ્જો સ્વીકારવા બાબતે વાતચીત કરી હતી. તેઓએ તેમને લાશનો કબ્જો સ્વીકારવા જણાવ્યું હતું. કિટોલીના કાકાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે આપઘાત કરનાર કીટોલીના મોત બાબતે કોઇના ઉપર કોઇ શક વહેમ નથી કે કોઇ રજૂઆત કે ફરીયાદ નથી અને તેની લાશ ઉપરના દાગીના પણ તેમને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે હાલ તો આ યુવતીએ આપઘાત કેમ કર્યો તે જાણવા ચક્રો ગતિમાન કર્યાં છે.