રાજ્ય સરકારે જંત્રીના બમણા દરો અમલી બનાવ્યા છે તેની અસર ગાંધીનગર શહેરમાં ધારાસભ્યો- સાંસદો, અધિકારી- કર્મચારીઓને રાહતદરે ફાળવાયેલા રહેણાંક પ્લોટના ટ્રાન્સફર વખતે ભરવાના થતા પ્રિમિયમ પર પણ પડશે. પ્રિમિયમ ગણતરી માટે ધ્યાને લેવામાં આવતા બજાર ભાવ જંત્રી વધતા વધ્યા હોવાથી પ્લોટના પ્રિમિયમની રકમમાં માતબર વધારો થશે. હાલ જોકે, વેચાણ મંજૂરી પર સ્ટે છે પરંતુ ટૂંક સમયમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી આખરી નિર્ણય જાહેર થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
ગાંધીનગર શહેરમાં એમપી-એમએલએ, અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવતા રાહતદરના પ્લોટ ઉંચી કિંમતે વેચી નફાખોરી કરવામાં આવતી હોવા મામલે પહેલા હાઇકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ થઇ હતી જેથી આ પ્લોટ ફાળવવાથી લઇને ટ્રાન્સફર કરવા સહિતની તમામ ગતિવિધ પર સ્ટે મૂકવામાં આવ્યો છે. છેલ્લા 12 વર્ષથી આ મામલો કોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. પરંતુ સૂત્રોના કહેવા પ્રમાણે આગામી ઓક્ટોબર મહિનામાં આ કેસનું લાસ્ટ હીયરીંગ છે અને તે પછી સુપ્રીમ કોર્ટ દ્વારા આખરી નિર્ણય જાહેર કરવામાં આવનાર છે.