‘મેં દેશની રક્ષા કરી પણ મારી પત્નીને તેના પર કરવામાં આવેલી ક્રૂરતાથી બચાવી ન શક્યો…’ કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાનો જીવ આપનાર દેશના યોદ્ધાના આ અફસોસભર્યા શબ્દો છે. મણિપુરમાં બે મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવાની ઘટનાએ દેશભરના લોકોને ચોંકાવી દીધા છે.
આ બેમાંથી એક મહિલાનો પતિ ભારતીય સેનામાં રહી ચૂક્યો છે. તેમણે આસામ રેજિમેન્ટમાં સુબેદાર તરીકે સેવા આપી છે. તેણે અફસોસભર્યા શબ્દોમાં કહ્યું કે મેં દેશ અને તેની સુરક્ષા માટે મારી જિંદગી દાવ પર લગાવી દીધી પરંતુ મારી પત્નીને સુરક્ષિત ન રાખી શક્યો, અપમાનિત થતાં બચાવી શક્યો નહીં. 4 મેના રોજ આદિવાસી મહિલાઓ સાથે બનેલી આ ઘટનાનો વીડિયો બુધવારે સામે આવ્યો હતો, જે બાદ દેશભરમાં તેના પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પીડિતાના પતિએ કહ્યું, ‘હું કારગિલ યુદ્ધમાં દેશ માટે લડ્યો હતો અને ભારતીય શાંતિ સેનાના ભાગરૂપે શ્રીલંકામાં પણ તૈનાત હતો. મેં દેશનું રક્ષણ કર્યું, પરંતુ હું નિરાશ છું કે મારી નિવૃત્તિ પછી, હું મારા ઘર, મારી પત્ની અને સાથી ગ્રામજનોનું રક્ષણ કરી શક્યો નહીં… હું દુઃખી અને ઉદાસ છું.’તેમણે કહ્યું કે 4 મેના રોજ સવારે, એક ટોળાએ આ વિસ્તારના ઘણા ઘરોને સળગાવી દીધા, બે મહિલાઓને નગ્ન કરી દીધી અને લોકોની સામે ગામડાના રસ્તાઓ પર ચાલવા માટે દબાણ કર્યું.
તેમણે કહ્યું, ‘પોલીસ હાજર હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી. હું એ તમામ લોકો માટે સખત સજા ઈચ્છું છું જેમણે ઘર સળગાવી અને મહિલાઓનું અપમાન કર્યું. વીડિયો સામે આવ્યાના એક દિવસ બાદ ગુરુવારે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.એક ટ્વિટર પોસ્ટમાં, મણિપુર પોલીસે કહ્યું, “રાજ્ય પોલીસ અન્ય ગુનેગારોને વહેલી તકે પકડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.” દરોડો ચાલુ છે.