ઘેડમાથી પસાર થતી કેનાલ અને તળાવો ઊંડા કરવા, રાહતદરે પશુપાલકોને સૂકો ઘાસચારો આપવા,પુનઃ વાવેતર માટે વિનામૂલ્યે બિયારણ, એક મહિનાથી ઘરે બેઠેલા લોકોને કેશડોલ અને ઘેડ માટે પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ
અમદાવાદ
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી નુકસાનીમાં સહાયની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત જીલ્લાના લોકોને મળીને જુનાગઢ, પોરબંદર, અમરેલી, ગીરસોમનાથ સહિત સૌરાષ્ટ્રના જીલ્લાના પ્રજાના પ્રશ્નો જેવા કે કેશડોલ્સ, ખેતીની જમીન સહિત ખેડૂતોને થયેલ નુકસાન, વિજળી, પીવાનું શુદ્ધ પાણી, પશુપાલકોને ઉભી થયેલી મુશ્કેલી, રોડ-રસ્તા વગેરે પ્રશ્નોને રૂબરૂ સાંભળીને તંત્ર સુધી પહોંચાડવા માટે તેમજ સ્થાનિક કક્ષાએ સરકારી સહાયમાં તંત્રના સંકલનમાં જરૂર પડે ત્યાં કોંગ્રેસનો કાર્યકર મદદરૂપ બન્યા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ ચાલે છે છેલ્લા ૨૮ વર્ષમાં ઘેડ વિસ્તારમાં નક્કર કામગીરી ન થવાને કારણે લોકો પૂર જેવી પરિસ્થિતિથી હાલાકીનો સામનો ભોગવી રહ્યાં છે. જૂનાગઢમાં કુદરતી નાળાઓ ખુલ્લા હતા અને પાણી નિકાલ થતો હતો પરંતુ નાળાઓ અને વહેણ પર દબાણ થતાં જુનાગઢ જળબંબાકાર થયું છે. ઘેડ સહિતના વિસ્તારમાં વાવેતર નિષ્ફળ રહ્યું છે. વરસાદના કારણે માત્ર જૂનાગઢમાં જ ૨૦૦ કરોડનું નુકસાન થયું છે. ઘેડ માથી પસાર થતી કેનાલ અને તળાવો ઊંડા કરવા, રાહતદરે પશુપાલકોને સૂકો ઘાસચારો આપવા,પુનઃ વાવેતર માટે વિનામૂલ્યે બિયારણ, એક મહિનાથી ઘરે બેઠેલા લોકોને કેશડોલ અને ઘેડ માટે પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદમા પશુધન મુંગા પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા અંગે માંગ કરતા કહ્યું કે સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓની જાત તપાસ બાદ બિપરજોય વાવાઝોડા અને ત્યારબાદ અતિ ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓમાં અતિ નુકસાની જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી ભરાયેલા છે. ત્યાંનાં ગામડાઓમાં NDRFની ટીમો મોકલીને તાકીદે મેડિકલ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી પાણી ભરાયેલા હોવાના કારણે પશુઓ ઘાસચારા વિનાના છે ત્યાં તાકીદે સૂકો ઘાસચારો રાહત દરે વન વિભાગ મારફતે પૂરો પાડવામાં આવે. રોજીરોટી ગુમાવનારને ૧ મહિનાનું કેશ ડોલ્સ તથા ઘરવખરીને થયેલ નુકશાન પેટે વળતર આપવામાં આવે, ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, જુવાર સહિતના બિયારણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે, પાક નિષ્ફળ બાબતે સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, જુનાગઢ શહેરમાં વોંકળા અને નાળા સાફ કરવામાં આવે, ઘેડ વિસ્તારની નદીઓ, કેનાલો અને તળાવો ઊંડા અને પહોળા કરવામાં આવે, સૌરાષ્ટ્રમાં દર વખતે વરસાદ વખતે ગામ-શહેરોમાં રહેલા રહેઠાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ભરાવવાથી સ્થળાંતર કરવું પડે છે. આવા ગરીબ પરિવારોને ઊંચાણવાળા સ્થળો પર મકાન-જમીન આપીને પુનઃ વસવાટ કરવામાં આવે,પોરબંદર શહેરમાં BSUP યોજના હેઠળ બનેલ ૨૪૪૮ આવાસ યોજનાના ઘરોમાં પાણી લીકેજ થાય છે તેની તપાસ કરીને આવાસોને રીપેર કરી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.