રાજ્યસભામાં પદનામિત સાંસદો દ્વારા શુક્રવારે બપોરે સર્કિટ હાઉસમાં આયોજિત ભોજન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવ હળવા અંદાજે ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓને મળ્યા હતા.સવા કલાકના રોકાણમાં તેમણે સૌને વિનમ્રતા સાથે મતદારો અને કાર્યકરો માટે એક્ટિવ રહેવા અને વધુ એકાઉન્ટેબલ થવા સૂચવ્યું હતું. આ સાથે જ વડાપ્રધાને અહીં ઉપસ્થિત તમામ નેતાઓને પોતાના ક્ષેત્રમાં સંપર્ક- સંવાદ જીવંત રાખવા પણ શિખામણ આપી હતી.
15મી વિધાનસભામાં ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યોને મળ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ સહિત 175 આગેવાનોના આ ભોજન સમારોહમાં વડાપ્રધાન મોદીએ ધારાસભ્યોને જીવનમાં આગળ વધવુ હોય તો એક્ટિવ રહેવા ટકોર કરી હતી. એટલુ જ નહી, તેમણે અહીં જેમ ભોજન સાથે સૌ મળ્યા છીએ એમ મહિને એકવાર ટિફિટ બેઠક યોજી કાર્યકરો સાથે સંવાદ કેળવી, નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો, રજૂઆતો ઉકેલવા સૂચના આપી હતી. વિધાનસભામાં જ્યારે સંવાદ સર્જનની પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે તેને ધારાસભ્યને એ વિષયની જાણકારી હોવી જઈએ. એમ કહેતા વડાપ્રધાન મોદીએ તેના માટે પ્રજાના પ્રતિનિધિતરીકે સૌને અભ્યાસ માટે સજ્જ રહેવા પણ કહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને ભૂતકાળમાં મુખ્યમંત્રી રહેતા પ્રદેશ ભાજપના સંગઠન સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. મંત્રીઓને કહ્યું- કામ કરો છો તે દેખાવું પણ જોઈએ
શુક્રવારે બપોરે ભોજન સમારોહ પૂર્વે ગુરુવારે રાતે વડાપ્રધાન મોદીએ રાજભવનમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ અને ભાજપના કેટલાક પદાધિકારીઓ સાથે રાજ્યના વિકાસલક્ષી કાર્યક્રમો મુદ્દે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મોદીએ મંત્રીઓને જે કામ કરો છો તે દેખાવુ પણ જોઈએ એમ કહ્યાનું જાણવા મળ્યું છે. આ સાથે જ તેમણે યોજનાના ઝડપી અમલ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પણ સુચવ્યું હતું.