તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બીજી સેમિકોન ઈન્ડિયા સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. જે અન્વયે અમેરિકન કંપની ગુજરાતમાં ચીપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. ત્યારે ગાંધીનગરની મુલાકાતે આવેલા અમેરિકન કોન્સ્યુલેટ જનરલ માઇક હેન્કી શહેરની સફર અર્થે નીકળ્યા હતા. એ દરમિયાન જાણીતા પૂજા પાર્લરમાં ઢોકળા, દહીં વડા અને દહીંપુરીનો સ્વાદ માણ્યો હતો. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલી બીજી સેમિકોન ઈન્ડિયા સમિટનાં પ્રારંભ પ્રસંગે અમેરિકન કોન્સ્યુલેટ જનરલ માઇક હેન્કી ગાંધીનગરનાં મહેમાન બન્યા છે. ત્યારે આજે અમેરિકન કોન્સ્યુલેટ જનરલ માઇક હેન્કી રાજ્યના પાટનગર ગાંધીનગરની સહેલગાહે પણ નીકળ્યા હતા.સામાન્ય વ્યક્તિની માફક માઇક હેન્કીને ગાંધીનગરમાં ફરતા જોઈને શહેરીજનો પણ બેઘડી વિચારતાં થઈ ગયા હતા. હમેશાં વીવીઆઈપી કાફલા સાથે જોવા મળતા અમેરિકન કોન્સ્યુલેટ જનરલ માઇક હેન્કી હળવાશની પળોમાં સેકટર – 21 ખાતે આવેલા વર્ષો જૂના અને જાણીતા પૂજા પાર્લરમાં પહોંચી ગયા હતા. અહીં તેમણે લાઈવ ઢોકળા, દહીંવડા તેમજ દહીંપુરી ખાધા હતા. ત્યારબાદ ગુજરાતીમાં ઢોકળા અને દહીં વડાનાં સ્વાદના વખાણ પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકન કોન્સ્યુલેટ જનરલનો ઉચ્ચ ઉચ્ચ હોદ્દો હોવા છતાં આજે માઇક હેન્કી સામાન્ય વ્યક્તિની જેમ માર્કેટમાં જઈને ઢોકળા, દહીંવડા ખાતા જોઈને નગરજનો અને વેપારીઓ એ પણ તેમની સાદગીનાં વખાણ કર્યા હતા. ત્યારે ભારતની મુલાકાત પહેલા તેમણે ગુજરાતી વાનગીઓનું સજેશન માંગવા માટે તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને તેમના ફોલોઅર્સ પાસે તેમની ગુજરાત યાત્રા દરમિયાન ન ચૂકવા જેવી ખાસ ગુજરાતી વાનગીઓનું લીસ્ટ મંગાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે instagram પર આ પોસ્ટ તેમના વતીથી યુએસ કોન્સ્યુલેટ જનરલના મુંબઈ ડિવિઝને કરી હતી.