ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
રાજસ્થાન હોસ્પીટલમાં લાગેલ ભારે આગના કારણે તંત્રની લાપરવાહી – સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નિતિ ખુલ્લી પડી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ
એક બાદ એક હોસ્પિટલમાં બનતી આગની ઘટનાઓના વચ્ચે રાજસ્થાન હોસ્પીટલમાં લાગેલ ભારે આગના કારણે તંત્રની લાપરવાહી – સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નિતિ ખુલ્લી પડી હોવાના આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પીટલના બેઝમેન્ટમાં આગ લાગવાની દુર્ઘટના દુઃખદ છે. આગની ઘટનાને કારણે હોસ્પીટલોમાં દાખલ ૧૦૦ થી વધુ દર્દીઓ અને તેના પરિવારોમાં ભયની લાગણી પ્રસરી હતી. અગાઉ પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતની હોસ્પીટલોમાં આગની દુર્ઘટનાઓ સામે આવી હતી અને તેમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં સરકાર અને તંત્ર દ્વારા હોસ્પીટલોમાં ફાયરસેફ્ટી અંગે જે ગુન્હાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે તે ચિંતાનો વિષય છે. આગની ઘટનાઓ બાદ પણ હોસ્પિટલો બેદરકારી રાખે છે. આગ લાગ્યા બાદ પણ હોસ્પિટલો જાગતી નથી. લોકો સ્વસ્થ થવા માટે હોસ્પિટલમાં આવે છે, ત્યારે સ્વસ્થ થવાના બદલે લોકો આગમાં હોમાઇ જાય તે કેટલે અંશે વ્યાજબી છે ? દુર્ઘટનાઓમાં જેમણે સ્વજન ગુમાવ્યા હોય તેને જ સાચુ દુઃખ ખબર હોય છે. સરકારે હોસ્પિટલોને લૂંટનું સાધન બનાવ્યું છે. અગાઉ શ્રેય હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલમાં માનવ જીંદગી હોમાવા છતા સરકાર જાગતી નથી, અમદાવાદની અગાઉની ૯ ઘટના બાદ પણ સરકાર સુધરવાનું નામ નથી લેતી. થોડા મહિના અગાઉ આજ હોસ્પિટલને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. રેસિડન્સમાં ગેરકાયદેસર હોસ્પિટલના સત્તાધીશોને તંત્ર છાવરે છે.
અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ બાદ અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના છતાં હજુ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલા હોસ્પિટલમાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું છે. તપાસનાં નામે નાટક જોવા મળી રહ્યો છે ત્યારે અકસ્માતો અને આગની દુર્ઘટનાઓ બની ગયા પછી કાગળ પર કામગીરી કરનાર વહીવટીતંત્ર નક્કર કામગીરી કરે તો જ દુર્ઘટનાઓને નિવારી શકાય અને મહામૂલી માનવ જીંદગી બચાવી શકાય.