ST નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. લોકલ સવારીમાં પ્રતિ કિલોમીટરે 64 પૈસા ભાડુ હતુ જેની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યુ છે. એક્સપ્રેસ સવારીમાં પ્રતિ કિલોમીટરે 68 પૈસા ભાડુ હતુ જે 85 પૈસા કરવામાં આવ્યુ છે. જ્યારે નોન એસી સ્લીપરમાં પ્રતિ કિલોમીટરે 62 પૈસા ભાડુ હતુ જે 77 પૈસા કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્યમાં એસટી નિગમના ભાડા વધારો કરવા છતા અન્ય રાજ્યો કરતા ઓછુ ભાડુ છે. સરકારના 2003ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેસીસના ભાવમાં વધારો થતા ભાડુ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાડામાં આ વધારો આજ રાતથી જ અમલી થઈ જશે. મુસાફરોને ઓછો બોજો પડે અને નહિવત અસર પડે તે રીતનો ભાડા વધારો કરવામાં આવ્યો છે. તેવુ એસટી નિગમનું માનવુ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામા આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ , પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે. તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
એસ.ટી નિગમ દ્વારા 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી. ત્યારે 2014 બાદ આ વર્ષે 2023 માં એસ ટી નિગમે એસ ટી બસનાં ભાડામાં વધારો કર્યો છે.