અમદાવાદમાં બિલ્ડર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા બિલ્ડરે સાથે 34 કરોડ 55 લાખની છેતરપિંડી થતાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રોપટી ખરીદવાના બહાને કરોડનો ચૂનો લગાવનાર કોણ છે?
આનંદ નગર પોલીસ સ્ટેશન કસ્ટડીમાં ઉભેલા ભેજાબાજ આરોપીનું નામ રાકેશ ભીખાભાઈ શાહ છે. આરોપી સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રત્નાકર એવન્યુમાં રહે છે. આરોપી રાકેશ સાયન્સ સિટીમાં રહેતા ફરિયાદી બિલ્ડર અશોક ઠક્કરને બલ્કમાં પ્રોપર્ટી લેવાના બહાને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં આનંદનગર પોલીસે ધરપકડ કરી છે.
સમગ્ર ગુનાની વિગત વાર વાત કરીએ તો ફરિયાદી અશોક ઠક્કર અને આરોપી રાકેશ શાહનો 2021 માં બિઝનેસ મીટીંગમાં મળ્યા હતા. અમદાવાદ અને દુબઈમાં ટ્રેડિંગનો ખુબ મોટો બિઝનેસ હોવાનું કહી મોટી મોટી વાતો કરી હતી. ત્યારબાદ આરોપી રાકેશ એ ફરિયાદીનો સંપર્ક કરી અમદાવાદમાં વેચાણ થયા વગરની પડી રહેલી દુકાનો અને મકાનો બલ્ક લેવાનું કહી વિશ્વાસમાં લીધા હતા.
ફરિયાદી એ વાડજ ખાતે પડી રહેલા 12 ફ્લેટ અને 4 દુકાનો ફરિયાદીને બતાવી ડીલ ફાઈનલ કરી હતી પરંતુ બે વર્ષ બાદ પણ પૈસા ન આપી દુબઈ ખાતેની H.S.B.C બેંક માં ટેકનિકલ કારણ સર 250 કરોડ ફ્રીઝ થઈ ગયા હોવાના બનાવતી પ્રૂફ બતાવી છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. જોકે આનંદ નગર પોલીસે ફરિયાદ ના આધારે આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આરોપીની વધુ પૂછપરછ અને તપાસ કરતા આરોપી અગાઉ અમદાવાદ ગ્રામ્ય અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ તો પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.