
દક્ષિણ જાપાનમાં આવેલા શક્તિશાળી વાવાઝોડા ‘ખાનૂન’ને કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ક્યુશુ ટાપુના દક્ષિણ ભાગમાં કાગોશિમાને દેશના અન્ય ભાગો સાથે જોડતી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે અને બોટની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુધવારે પણ દક્ષિણ જાપાનમાં જોરદાર પવન અને મુશળધાર વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે અને હજારો લોકોને વિજળી ગુલ થવાને કારણે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, ચક્રવાત ખાનૂનના કારણે ઓછામાં ઓછી 510 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે, ઓકિનાવા ટાપુ પર નાહા એરપોર્ટ અને ક્યુશુ ટાપુના દક્ષિણ ભાગમાં કાગોશિમાને દેશના અન્ય ભાગો સાથે જોડતી ફ્લાઇટ્સ રદ થવાથી પ્રવાસીઓને પણ ફટકો પડ્યો હતો. આ પ્રદેશના ઉષ્ણકટિબંધીય બીચ રિસોર્ટ્સ પર રજાઓ ગાળતા હજારો પ્રવાસીઓ અટવાતા ઓકિનાવા અને આ પ્રદેશના અન્ય ટાપુઓ પર અને ત્યાંથી આવતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ રદ થવાથી 65,000થી વધુ મુસાફરોને અસર થઈ છે. જાપાની હવામાન એજન્સી અનુસાર ખૂબ જ શક્તિશાળી ટાયફૂન ‘ખાનૂન’ પ્રતિ કલાક 180 કિલોમીટર (112 માઇલ)ની મહત્તમ પવનની ઝડપે આગળ વધી રહ્યું છે. બીજી તરફ, ઓકિનાવાની પાવર કંપનીનું કહેવું છે કે વાવાઝોડાને કારણે બુધવારે સવારથી કુલ 220,580 ઘર (આ પ્રદેશના લગભગ 35 ટકા ઘરો) વીજળી વગરના છે. તે જ સમયે, ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર ઓકિનાવા અને કાગોશિમા પ્રદેશના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને સતત ત્યાંથી જવાની ચેતવણી આપવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં 690,000થી વધુ રહેવાસીઓ રહે છે, જેમને સુરક્ષિત સ્થાનો પર જવા માટે વિનંતી કરવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું કે ઓકિનાવામાં કુલ 11 લોકો થોડા ઘાયલ થયા છે. સાર્વજનિક પ્રસારણકર્તા NHKએ અહેવાલ આપ્યો છે કે મંગળવારે સાંજે એક 90 વર્ષીય વ્યક્તિ તૂટી ગયેલા ગેરેજ હેઠળ ફસાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો. જાપાનની હવામાન એજન્સીએ ઓકિનાવાના મુખ્ય ટાપુના ભાગોમાં પૂર અને ભૂસ્ખલનની ચેતવણી આપી છે.