અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અભિયાન સંદર્ભેની તૈયારીઓની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી
મેરી માટી, મેરા દેશ અભિયાન ગ્રામ્ય સ્તરે રાષ્ટ્રભાવના પ્રબળ બનાવશે : ત્રણ જીલ્લામાં મિલેટ્સનું પણ વિતરણ કરાશે : મંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર
મેરી માટી મેરા દેશ અભિયાનના સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલે પ્રભારી જિલ્લાઓમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરીને સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અભિયાનને વ્યાપક બનાવીને ગ્રામ્ય સ્તરે દેશભક્તિનો લોકજુવાળ ઉદભવે તેવા પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.૯ મી ઓગસ્ટ થી શરૂ થનાર મેરી માટી, મેરા દેશ અભિયાન હેઠળ વિવિધ પાંચ થીમ અંતર્ગત શિલાફલકમનું (પથ્થરની તક્તીનુ) નિર્માણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધા વંદન, વિરોને વંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સંદર્ભેના કાર્યક્રમોના આયોજનની વિગતવાર માહિતી મંત્રીશ્રીએ મેળવી હતી.અમદાવાદ જિલ્લાની ૪૬૭ ગ્રામ પંચાયત, આણંદની ૩૫૧ અને ખેડા જિલ્લાની ૫૫૨ ગ્રામ પંચાયતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણતાના આરે છે.મંત્રીએ મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ ઉત્સવને મહાઉત્સવ તરીકે ઉજવવા અને તેની સાથે કુપોષણ, ટીબી મુક્તિ માટે જનજાગૃતિની મહાઝુંબેશ હાથ ધરવા અનુરોધ કર્યો કર્યો હતો.જિલ્લાઓને જન ઉપયોગી કાર્યોનું એક પાયલટ મિશન હાથ ધરવા સૂચન કર્યું હતું.આ વીડિયો કોન્ફરન્સમાં સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રભારી સચિવ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.