ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા
ડ્રગ્સ લેન્ડીંગ હબ માંથી ડ્રગ્સ પ્રોસેસિંગ, કન્ઝમશન અને એક્સપોર્ટ હબ બનતું ગુજરાત : ગુજરાતને ડ્રગ્સનું હબ બનતું અટકાવવા માટે હાઈકોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં એક હાઈપાવર કમિટી બનાવવામાં આવે : અમિત ચાવડા
ગાંધીનગર
ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ડ્રગ્સ અને દારૂ ગુજરાત માટે, આપણી યુવા પેઢી માટે ખુબ ચિંતાનો વિષય છે. આજે જે રીતે ગુજરાતમાં શાંતિ સલામતી જળવાઈ રહી એની પાછળ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કારણભૂત છે. પાછલા ત્રણ દાયકામાં પોલીસ પ્રશાસન અને સરકારની મિલીભગતના કારણે દારૂબંધીનો કાયદો હોવા છતાં પણ ગુજરાતની ગલીએ ગલીએ દારૂ વેચાય છે પણ થોડા વર્ષોથી ગુજરાત ડ્રગ્સનું પ્રોસેસિંગ, કન્ઝમશન અને એક્સપોર્ટ હબ બન્યું છે. દારૂના દુષણથી પણ વધુ ડ્રગ્સનું દુષણ યુવા પેઢીમાં વધ્યું છે. થોડા સમય પહેલા તથ્ય પટેલ દ્વારા જે હિટ એન્ડ રન પ્રકારનો એકસીડન્ટ કરીને નવ લોકોને કચડીને મારી નાખવાનો કિસ્સો સામે આવ્યો તેની પાછળ પણ ડ્રગ્સ જેવા દુષણો જવાબદાર હોઈ શકે છે જે આજની ટીનેજર પેઢીને બરબાદ કરી રહ્યું છે.ગુજરાતમાં જયારે પણ ડ્રગ્સ પકડાય ત્યારે સરકાર તેની વાહવાહી લુંટે છે પરંતુ તેમાં આજસુધી મંગાવનારા અને મોકલનારા કોઈ મોટા માથા પકડાયા હોય તેવું ક્યાય રેકોર્ડમાં નથી. હાલમાં જ સમાચાર પત્રોમાં છપાયેલ ખબર ઉપર સરકાર પણ હજુ સુધી ચુપ છે તેમાં જોવા મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તાર સાણંદ તાલુકામાં કેરાલા જી.આઈ.ડી.સી. માં એક ફાર્માંસ્યુંટીકલ કંપનીમાં એન.સી.બી.એ પાડેલા દરોડામાં ફાર્માંસ્યુંટીકલ કંપનીમાં પ્રોસેસમાં લેવાતું ડ્રગ્સ પકડાયું છે જેમાં આફ્રિકામાં એક્સપોર્ટ કરવા માટેનું ૫૦૦ કિલો પ્રતિબંધિત ડ્રગ્સ ૪૦૦ જેટલા ડ્રમમાં એન.સી.બી.ને જોવા મળ્યું. આ પ્રતિબંધિત ડ્રગ્સની કીમત આશરે ૧ કિલોની ૧ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે અને વિદેશમાં તેની ૨૦ ગણી કીમત આંકવામાં આવે છે તેવી માહિતી સમાચાર માધ્યમોથી પ્રાપ્ત થઇ રહી છે. આ પ્રમાણે જોઈએ તો સીઝ કરેલા ૫૦૦ કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કીમત આશરે ૧૦,૦૦૦ કરોડ થાય છે. આટલી મોટી કિમતનું ડ્રગ્સ પકડાવાની માહિતી સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતી હોય તેમ છતાં તેની કોઈ ચર્ચા અને ઊંડી તપાસ સરકાર તરફથી ના થાય તે આપણા સૌ માટે ચિંતાજનક બાબત છે. સાથેસાથે આ શંકાનો પણ વિષય છે કે શું આમાં કોઈ મોટા માથા સંડોવાયેલા છે? આમાં કોની મિલીભગત છે? શું ગૃહમંત્રીનો મતવિસ્તાર હોવાથી ઉપરથી કોઈ દબાણ લાવવામાં આવ્યું છે? આ કેસમાં સામેલ અધિકારીઓની પણ તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે તેવી માહિતી પણ સમાચાર માધ્યમોથી મળે છે.છેલ્લા ૭ વર્ષમાં આખા ગુજરાતમાંથી લગભગ ૪૦,૦૦૦ કરોડ કરતા વધુની કિમતનું ડ્રગ્સ પકડાયાની જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી છે અને આજે જયારે સાણંદની કેરાલા જી.આઈ.ડી.સી.માંથી આટલી મોટી કિમતનું ડ્રગ્સ પકડાય તે છતાં સરકાર, પોલીસ, પ્રશાસન બધા ચુપ હોય તે ખુબ ચિંતાજનક બાબત છે. આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ડ્રગ્સની ખુબ મોટી કાર્ટેલ ચાલતી હોય, ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબની સાથેસાથે પ્રોસેસિંગ હબ બની રહ્યું હોય ત્યારે ફાર્માંસ્યુંટીકલ કંપનીઓની આડમાં ડ્રગ્સનું આખું નેટવર્ક ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. હાલમાં જ સાવલી ખાતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું, તે પહેલા વાપી ખાતે પણ કરોડોની કિમતનું ડ્રગ્સ પકડાયું તે જોતા એ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાત હવે ડ્રગ્સનું લેન્ડીંગ, પ્રોસેસિંગ અને એક્ષપોર્ટ હબ બની રહ્યું છે.આ સંદર્ભે પાર્લામેન્ટમાં સરકાર દ્વારા અપાયેલ જવાબમાં રજુ કરવામાં આવ્યું કે ૨૦૦૬ થી ૨૦૧૩ અને ૨૦૧૪ થી ૨૦૨૨ દરમિયાન પકડાયેલ ડ્રગ્સના આંકડામાં ખુબ મોટો વધારો થયો છે. ૨૦૦૬ થી ૨૦૧૩ માં જપ્ત કરાયેલ ડ્રગ્સ ૨૨ લાખ ૪૫ હજાર કિલો હતું, જે નરેન્દ્રભાઈના કાર્યકાળમાં ૨૦૧૪ થી ૨૦૨૨ માં ૬૨ લાખ ૬૦,૦૦૦ હજાર કિલો સુધી પહોંચી ગયું જે બતાવે છે કે આમાં ૧૮૦% થી પણ વધુનો વધારો થયો છે. ૨૦૦૬ થી ૨૦૧૩ માં ૧૦ કરોડ યુનિટ ડ્રગ્સ પકડાયું ત્યારે ૨૦૧૪ થી ૨૦૨૨ માં ૧૩૪% ના વધારા સાથે તે આંકડો ૨૪ કરોડ યુનીટે પહોંચી ગયો છે. કિમતમાં જોવા જઈએ તો ૨૦૦૬ થી ૨૦૧૩ માં આ પકડાયેલ ડ્રગ્સની કીમત આશરે ૩૩,૦૦૦ કરોડ જેટલી હતી પણ ૨૦૧૪ થી ૨૦૨૨ માં આ રકમમાં ત્રણ ગણો વધારો થઈને ૯૭,૦૦૦ કરોડે પહોંચી ગઈ છે. ૨૦૦૬ થી ૨૦૧૩ માં ટોટલ કેસીસ ૧,૪૫,૦૬૨ નોંધાયા હતા જયારે તેમાં ૧૮૫% નો વધારો થઈને ૨૦૧૪ થી ૨૦૨૨ માં આ કેસીસની સંખ્યા ૪,૧૪,૬૯૭ સુધી પહોંચી છે. અને તે રીતે ગુનેગારો પણ ખુબ વધી ગયા છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું હોમ સ્ટેટ હોવા છતાં ગુજરાતની અને દેશની આ પરિસ્થિતિ અને આ આંકડા ખુબ મોટી ચિંતાનો વિષય છે. આ ઉપરાંત ગુજરાતમાં ૨૦૧૬ થી ૨૦૨૩ સુધી જપ્ત કરાયેલ ડ્રગ્સ અને હેરોઈનના આંકડા પણ ખુબ ચોંકાવનારા અને ચિંતાજનક છે.
• ગુજરાતમાંથી સાત વર્ષમાં પકડાયેલ ડ્રગ્સ ૪૦,૦૦૦ કરોડ કરતા વધુ કિંમતનું છે.
• સાવલીની મોક્ક્ષી ગામેથી ૨૦૦ કિલો એમ.ડી. ડ્રગ્સ ૧૦૦૦ કરોડની કીમત જેટલું પકડાયું.
• તા. ૧૪/૦૫/૨૦૨૩ ૧૨,૦૦૦ કરોડની આંતરરાષ્ટ્રીય કિમતનું ૨,૫૦૦ કિલો ડ્રગ્સ ૧૩૫ પેકેટ સાથે જામનગર નેવી ઈન્ટેલીજન્સ અને એન.સી.બી.એ પકડ્યું.
• તા. ૧૩/૦૫/૨૦૨૩ ૨૧૪ કરોડની કિમતનું ૩૦ કિલો ડ્રગ્સ રાજકોટના ખંડેરી સ્ટેડીયમ પાછળથી પકડાયું.
• તા. ૦૪/૦૫/૨૦૨૩ કચ્છમાંથી ૧.૭ કરોડની કિમતનું ૧.૭ કિલો મેથેમ્ફેટામાઈન ડ્રગ્સ પકડાયું. આ ડ્રગ્સ ૧ કિલોમાંથી ૧૫ થી ૨૦ કિલો એમ.ડી. ડ્રગ્સ બને એટલું સ્ટ્રોંગ હોય છે.
• જુલાઈ ૨૦૨૨ મુન્દ્રા પોર્ટ પરથી ૭૫ કિલો હેરોઈન ૩૭૫ કરોડની કિમતનું પકડાયું.
• તા. ૨૯/૦૪/૨૦૨૨ પીપાવાવ પોર્ટ પરથી ૪૫૦ કરોડનું ૩૯૦ કિલો ડ્રગ્સ ઝડપાયું.
• 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
• 21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
• 3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
• 12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું.
• 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
• 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
• 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
• 24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
• 12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
• 10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
• 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
• 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
• 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
• 16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
• ૬ જાન્યુઆરી ૨૦૨૧ જખૌ પાસેથી ૧૭૫ કરોડની કિમતનું ૩૫ કિલો હેરોઈન ઝડપાયું.
• મે ૨૦૧૯ જખૌ દરિયા કિનારેથી ૨૮૦ કિલો ડ્રગ્સ ઝડપાયું.
• માર્ચ ૨૦૧૯ ૫૦૦ કરોડની કિમતનું ૧૦૦ હેરોઈન અને ૨૫ કરોડની કિમતનું એમ.ડી. ડ્રગ્સ પોરબંદર ખાતેથી ઝડપાયું.
• ઓગસ્ટ ૨૦૧૮ સલાયા નજીકથી ૧૫ કરોડની કિમતનું ૮ કિલો હેરોઈન પકડાયું.
• ડીસેમ્બર ૨૦૧૬ મુન્દ્રા અદાણી પોર્ટથી નીકળેલા જહાજમાંથી શ્રીલંકામાં ૮૦૦ કિલો કોકેઇન પકડાયું જેની કીમત ૧૨૦૦ કરોડ હતી. આ કન્સાઇન્મેન્ટ ગાંધીધામની ટીમ્બર પેઢીના નામે હતું. સરકાર સ્પષ્ટ કરે કે ત્યાં શું પકડાયું છે, કેવી રીતે પકડાયું છે, કોના દ્વારા પકડાયું છે, કોણ લોકો સામેલ છે, કોણ ગુનેગારો છે અને એમને પકડવામાં આવ્યા છે કે કેમ સાથે સાથે તેમણે માંગણી કરી કે ભાજપની ડબલ એન્જીન સરકારમાં ગુજરાતને ડ્રગ્સનું હબ બનતું અટકાવવા માટે હાઈકોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં એક હાઈપાવર કમિટી બનાવવામાં આવે, આ ક્ષેત્રના નિષ્ણાતોને તેમાં સામેલ કરવામાં આવે અને ડ્રગ્સ કેટલા પ્રમાણમાં, કઈ રીતે, કઈ કાર્ટેલ દ્વારા ગુજરાતમાં આવે છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. હાલમાં ફાર્માંસ્યુંટીકલ કંપનીની આડમાં આવા પ્રતિબંધિત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ, વેચાણ અને એક્ષપોર્ટ કરવામાં આવે છે અને સ્કૂલો, કોલેજો અને યુનીવર્સીટીની આસપાસ મળતા ડ્રગ્સના લીધે આજની યુવા પેઢી બરબાદ થઇ રહી છે તે માટે સરકાર એક ઝુંબેશ ઉપાડે અને આવી ફાર્માંસ્યુંટીકલ કંપનીઓ ઉપર કાયદાકીય પગલા લે અને યુવા પેઢીને બરબાદ થતા અટકાવે. પક્ષા-પક્ષીથી ઉપર થઈને ગુજરાતની આવનારી પેઢીને બચાવવા માટે પગલા ભરવા અમે માંગણી કરીએ છીએ.