મા ભોમની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનારા મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેહ અમદાવાદ પહોંચી ચૂક્યો છે. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી છે. અહીંથી તેમની અંતિમયાત્રા પણ કાઢવામાં આવશે.
મહિપાલસિંહ વાળાનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મોજીદડ ગામ હતું. ત્યાંથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. 25 વર્ષીય જવાન કુલગામમાં સેનામાં ફરજ બજાવતા હતા. ત્યારે આતંકીઓ સાથેની અથડામણમાં તેઓ શહીદ થયા હતા. મહિપાલસિંહની અંતિમયાત્રા વિરાટનગરથી નીકળી લીલાનગર સ્મશાન ગૃહ તરફ લઈ જવામાં આવશે.
શહીદ મહિપાલસિંહ વાળાની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. શહીદને અંતિમ વિદાય આપવા માટે રસ્તા પર લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહીદ જવાનના લીલાનગર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં અમદવાદના શહિદ થયેલા જવાનનું નામ મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે. જેઓ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદડ ગામના વતની છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે.
મહિપાલસિંહ વાળા છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવી હતી. ત્યારબાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી, જ્યાં તેમણે ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી તેમનું પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થયું હતું. જ્યાં તેઓ આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા.