શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના અને અમદાવાદમાં રહેતા સેનાના જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. શહીદ મહિપાલસિંહનો પાર્થિવ દેહ આજે અમદાવાદ આવી રહ્યો છે અને સાંજે તેમને અંતિમ વિદાય દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાશે. રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ મહિપાલસિંહને અંતિમ વિદાય આપવામાં આવશે. આ માટે શહેરમાં ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. મા ભોમ માટે પોતાનું બલિદાન આપનારા વીર જવાનના ઘરે પારણું બંધાય તે પહેલા જ તેમણે વિદાય લીધી છે, જે તેમના પત્ની તથા પરિવાર પર આભ તૂટી પડ્યા સમાન બન્યું છે.
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. મહિલાપાલસિંહના પત્ની બાળકને જન્મ આપવાના છે અને બાળક પિતાને જુએ તે પહેલા જ તેઓ વીરગતિ પામ્યા છે. 27 વર્ષના મહિપાલસિંહ દેશની રક્ષા કરી રહ્યા હતા ત્યારે જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે સાંજે થયેલી આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન શહીદ થયા હતા.
દેશ માટે પોતાના પ્રાણોની આહુતી આપનારા શહીદ મહિપાલસિંહના દેશ બલિદાન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં તેમને અંતિમ વિદાય આપવા માટે શહેરીજનો તથા સેનાકર્મીઓ ઉપસ્થિતિ રહેશે. તેમને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે જેના માટે જરુરી તૈયારીઓ કરવામાં આવી છે.
આ પહેલા કાર્યક્રમની તૈયારી કરવા માટે તેમના પરિવારના સગા તથા મહિપાલસિંહના મિત્રો સહિતના લોકો તેમના નિવાસસ્થાન પર પહોંચી ચુક્યા છે. આ સિવાય કેટલાક યુવાનો શહીદની અંતિમ વિદાયની તૈયારી કરવા માટે પણ પહોંચ્યા છે. એક તરફ મહિપાલસિંહના પત્ની બાળકને જન્મ આપવાના છે અને હાલમાં જ તેઓ ઘરે સીમંત માટે રજા પર આવ્યા હતા, આવામાં અકાળે જે ઘટના બની તેના કારણે પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.
શહીદ મહિપાલસિંહના પરિવારના સભ્ય અજીતસિંહ વાળાએ ઘટના અંગે વાત કરતા જણાવ્યું કે, દેશ આઝાદ થયો તે દિવસે મહિપાલસિંહનો જન્મ થયો હતો અને જ્યારે તેમનો જન્મદિવસ આ દિવસ ઉજવાતો ત્યારે નાનપણથી જ તેમને દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હતી. આ ભાવનાઓને ધ્યાનમાં રાખીને ધોરણ-12 પાસ કર્યા બાદ તેઓ સેનામાં જોડાયા હતા. આ પછી તેમનું સૌથી પહેલું પોસ્ટિંગ જબલપુરમાં થયું હતું. જે બાદ ચંદીગઢ અને પાછલા 6-8 મહિનાથી તેઓનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં હતું.
પરિવારના સભ્ય અજીતસિંહે જણાવ્યું કે, અંતિમ વખત મહિપાલસિંહ તેમના પત્નીના સીમંત પ્રસંગે ઘરે આવ્યા હતા, આ પ્રસંગ પૂર્ણ કર્યા બાદ તેઓ હસતા મોઢે શ્રીનગર જવા માટે રવાના થયા હતા. મહિપાલસિંહે છેલ્લે 4 તારીખે તેમના પત્ની સાથે વાત કરી હતી અને પત્નીની તબિયત અને પરિવાર વિશે ખબરઅંતર પૂછ્યા હતા. આ પછી તેઓ ફરી જમ્મુ-કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા હતા.